ખંભાળીયામાં ચાલી રહેલા ખેડૂત સત્યાગ્રહમાં જામનગર, રાજકોટ, પોરબંદરથી હજારોની સંખ્યામાં ખેડૂતો જોડાયા
ખાલી વરસાદનો નહીં, સારા નેતાનોય દુકાળ પડ્યો છે: ગોપાલ ઇટાલીયા
ખંભાળિયા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના હિત માટે આયોજિત ’દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ’ના ચોથા દિવસે ખેડૂતોનો જબરદસ્ત જનમેદની સાથે સમર્થન મળ્યું હતું. આ આંદોલનમાં સામેલ થઈને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા જોડાયા હતા, અને સમર્થન આપ્યું હતું. ત્યારબાદ ઇટાલીયાએ શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.
ઇટાલીયાએ સભા સંબોધતા જણાવ્યું હતું કે ચાલુ વર્ષે દક્ષિણ ગુજરાત સિવાય લગભગ પોણા ગુજરાતમાં વરસાદ નહિવત પડ્યો છે. જ્યાં ૫૦થી ૧૦૦ ઇંચ વરસાદ પડતો હોય ત્યાં દોઢ-બે ઇંચ પણ વરસાદ થયો નથી, જેના પરિણામે ખેતરોમાં ઊભો પાક સુકાઈ રહ્યો છે. ખેડૂતોએ દવા, ખાતર, બિયારણ અને મજૂરી પાછળ કરેલો તમામ ખર્ચ માથે પડ્યો છે. જો પાક સુકાઈ જશે તો ગુજરાતભરના ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થશે. તેમજ મુરઝાઈ ગયેલો પાક સૌને દેખાય છે પણ ભાજપના પેજ પ્રમુખથી લઈને સાંસદ સુધીના લોકોને પાક કે ખેડૂતના મુરઝાયેલા ચહેરા દેખાતા નથી, તેમને માત્ર કંપનીઓ, ગ્રાન્ટ અને ટેન્ડરો જ દેખાય છે. આજે ખાલી વરસાદનો નહીં પણ સારા નેતાનોય દુકાળ પડ્યો છે અને આ દુકાળ દૂર કરવા જનતાએ જાગૃત થવું પડશે. તેમણે સરકાર સમક્ષ તાત્કાલિક અસરથી દુષ્કાળ જાહેર કરી ખેડૂતો, પશુપાલકો અને ખેતમજૂરોને આર્થિક સહાય આપવાની માંગ કરી હતી.
બીજી તરફ, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે જામનગર, દ્વારકા અને પોરબંદર સહિતના જિલ્લાઓમાં લાખો એકર જમીન પર ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. રાજ્યના ૧૦૬ જેટલા તાલુકાઓ એવા છે જે સંપૂર્ણ અછતગ્રસ્ત છે. ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યા છે, બોર-કૂવાઓના તળ ઊંડા ગયા છે અને ચોમાસુ પાક નિષ્ફળ જતાં શિયાળુ પાક લેવાની પણ સ્થિતિ રહી નથી. સરકાર દુષ્કાળ જાહેર કરવાને બદલે સરપંચો, કર્મચારીઓ અને અધિકારીઓને ધમકાવીને આંદોલન દબાવવાના પ્રયાસ કરી રહી છે.
ઈશુદાન ગઢવીએ સરકારને અલ્ટીમેટમ આપતાં જણાવ્યું હતું કે તેઓ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોના તમામ ધારાસભ્યોને પત્ર લખીને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા જણાવશે. સાથે જ તેમણે જાહેરાત કરી કે જો આજની કેબિનેટ બેઠકમાં સરકાર અસરગ્રસ્ત વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોના ખાતામાં સીધી સહાય નહીં નાખે, તો બપોરે બે વાગ્યા બાદ આંદોલનના બીજા તબક્કાની જાહેરાત કરવામાં આવશે અને લડત વધુ ઉગ્ર બનાવાશે.