દ્વારકા: ચાર વર્ષ ચાર મહિનાથી જામકલ્યાણપુર નવી માધ્યમીક શાળાની ચાલી રહેલી કામગીરી: વિદ્યાર્થીઓ-વાલી ઓમાં રોષની લાગણી
વ્હેલી તકે કામ પૂર્ણ કરવા ઉઠી માંગ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ખાતે નિર્માણાધીન નવી સરકારી માધ્યમિક શાળાનું ભવન નિયત સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ ઉપયોગ માટે તૈયાર ન થતાં સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો છે. કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલું આ શૈક્ષણિક ભવન લાંબા સમયથી અધૂરું રહેતાં વિદ્યાર્થીઓને યોગ્ય સુવિધાઓથી વંચિત રહેવું પડી રહ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
માર્ગ અને મકાન વિભાગ, દેવભૂમિ દ્વારકા દ્વારા અંદાજે રૂ. ૨.૪૬ કરોડના ખર્ચે આ શાળા ભવનનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત વિસ્તારના ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે કરવામાં આવ્યું હતું. સરકારી માહિતી મુજબ ૨૭ માર્ચ, ૨૦૨૨ના રોજ કામગીરીનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને ૨૬ માર્ચ, ૨૦૨૩ સુધીમાં કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી.
જોકે, સમયમર્યાદા પૂર્ણ થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં શાળાનું ભવન હજુ અધૂરું હોવાનું સ્થળ પર જોવા મળી રહ્યું છે. નિર્માણની ધીમી ગતિને કારણે સ્થાનિકોમાં તંત્રની કામગીરી અને સંબંધિત કોન્ટ્રાક્ટર સામે પ્રશ્નો ઊભા થયા છે. ગ્રામજનોનું કહેવું છે કે કરોડો રૂપિયાના ખર્ચ છતાં પ્રોજેક્ટ સમયસર પૂર્ણ ન થવો ગંભીર બાબત છે.સ્થાનિકોએ માંગ કરી છે કે જિલ્લા તંત્ર, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ ધારાસભ્ય આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપી કામગીરીમાં ઝડપ લાવે અને જવાબદાર એજન્સી સામે જરૂરી કાર્યવાહી કરે. સાથે જ શાળાનું ભવન વહેલી તકે પૂર્ણ કરીને વિદ્યાર્થીઓને આધુનિક અને સુવિધાસભર શૈક્ષણિક માહોલ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે.