જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તાવ અને વાયરલ ઇન્ફેકશનના કેસો વઘ્યા
જીજી હોસ્પિટલમાં ૮૦, ખાનગી હોસ્પિટલમાં ૧૫૦, ગ્રામ્ય વિસ્તારમાં પીએચસી અને સીએચસી કેન્દ્રોમાં ૧૦૦થી વધુ કેસો નોંધાયા છે: નવા પાણીના કારણે કેસો વઘ્યા હોવાનું તારણ
હાલમાં ચોમાસુ ચાલી રહ્યું છે, નદી અને ડેમોમાં નવા નીરની આવક થઇ રહી છે ત્યારે નવા પાણીના કારણે તાવ, વાયરલ ઇન્ફેકશન, અને ઝાડા, ઉલટીના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. જામનગર શહેર, ગ્રામ્ય વિસ્તાર અને જામનગરની ખાનગી હોસ્પિટલમાં પણ ખાસ કરીને તાવ અને ઝાડા ઉલટીના કેસોમાં વધારો થયો છે. આ તમામ કેસોને ગણીએ લગભગ ૩૨૦ દર્દીઓને અસર થઇ છે. જી.જી.હોસ્પિટલમાં દરરોજ ૮૦ થી૧૦૦ કેસ ઓપીડીના આવે છે જયારે ૧૦ થી ૧૨ દર્દીઓને દાખલ કરવામાં આવતા હોવાનું જાણવા મળે છે. બદલાયેલા વાતાવરણને કારણે આ પ્રકારના કેસો વધતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળે છે.
જી.જી. હોસ્પિટલની વાત લઇએ તો આશરે ૮૦થી ૧૦૦ જેટલા દર્દીઓ વાયરલ ઇન્ફેકશન અને તાવની દવા લેવા આવે છે. વાતાવરણના બદલાવને કારણે ઝાડા ઉલ્ટીના કેસોમાં પણ ચોક્કસપણે વધારો થયો છે. લગભગ દરરોજ ૮ થી ૧૦ દર્દીઓને દાખલ કરતા હોવાનુ સુત્રો જણાવે છે. ખાનગી હોસિપટલની વાત લઇએ તો સમર્પણ હોસ્પિટલ, ઇન્દુ મધુ હોસ્પિટલ, ઓસવાળ હોસિપટલ, રંગુનવાલા ટ્રસ્ટ હોસિપટલ અને એસટી રોડ ઉપરની હોસિપટલોમા તાવ, વાયરલ અને ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો થયો છે. છેલ્લા અઠવાડિયામાં ૧૫ થી ૨૦ ટકા જેટલો વધારો થયો હોવાનું બહાર આવ્યું છે.
જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યું છે. સીએચસી અને પીએચસી કેન્દ્રોમાં દરરોજ આ પ્રકારના કેસો વધી રહ્યા છે. ગામડાઓમાં પણ એવરેજ ગણીએ તો ૫ થી ૭ દર્દીઓને દાખલ કરવામાં આવતા હોવાની વાત પણ બહાર આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ નવુ પાણી આવ્યું છે, કુવા અને ડંકીના સ્તરમાં આ પાણી મિશ્રણ થયું છે. વાદળીયા વાતાવરણને કારણે લોકોને ખોરાક જોઇએ તેટલો પચતો ન હોવાની પણ ફરિયાદ વધી છે. ડોકટરના કહેવા મુજબ પાણી ઉકાળીને પીવુ, તાવ કે કળતર જેવુ લાગે તો નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ યોગ્ય દવા લેવી.
ચોમાસુ અડધે પહોંચ્યુ છે, સામાન્ય રીતે વાયરલ અને તાવના કેસો આવતા હોય છે તેમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો થયો હોવાનું પણ જાણવા મળે છે. જો કે કેટલાક દર્દીઓ ગામડાઓના પીએચસી અને સીએચસી કેન્દ્રોમાં સારવાર લેવા આવતા હોવાનું પણ કહેવાય છે ત્યારબાદ વધુ સારવાર જણાય તો જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ થતા હોય છે. જામનગર શહેરમાં પણ કેટલાક વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા અપાતુ ગંદુ પાણી પણ જવાબદાર છે, પટેલ કોલોની, વિકાસગૃહ સહિતના વિસ્તારોમાં ફીણ વાળુ પાણી આવતુ હોવાનું પણ બહાર આવ્યુ છે. કેટલાક વિસ્તારોમાં ગટરનું પાણી આવતુ હોવાથી આ પ્રકારના રોગોમાં વધારો થાય છે, તેવી ફરિયાદ પણ ઉઠી છે.