BREAKING NEWS

જામનગરમાં સાધના કોલોનીના મુખ્ય માર્ગ પરના દબાણો દૂર કરવા માંગ

  • August 06, 2026 02:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં સાધના કોલોનીના મુખ્ય માર્ગ પરના દબાણો દૂર કરવા માંગ

સ્થાનિક વેપારીઓની જિલ્લા કલેક્ટરને રજૂઆત: મહાનગરપાલિકાને અનેક રજૂઆતો છતાં કાર્યવાહી નહીં થતાં રહેવાસીઓમાં રોષ

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી ન્યૂ સાધના કોલોની (એલ.આઈ.જી. ૨૬૪ અને ૧૦૮) એસોસિએશન દ્વારા વોર્ડ નં. ૧૬માં આવેલા ૧૮ મીટરના મુખ્ય માર્ગ પર થયેલા ગેરકાયદે દબાણો અને અનધિકૃત બાંધકામો દૂર કરવા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

એસોસિએશનના પ્રમુખ નવીનભાઈ મણીલાલ નંદાના હસ્તાક્ષરથી કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે ત્રણ વર્ષ અગાઉ જર્જરિત હાલતમાં હોવાથી કોલોનીનું ડિમોલિશન કરવામાં આવ્યંજ હતું અને હાલ સરકારની રીડેવલપમેન્ટ યોજના હેઠળ નવી કોલોનીનું બાંધકામ ચાલી રહ્યું છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ રણજીત સાગર રોડ પર આવેલા કોલોનીના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જલારામ મંદિર, શાક માર્કેટ અને આંગણવાડી આવેલી છે. ઉપરાંત આસપાસની અંદાજે ૧૫થી ૨૦ સોસાયટીઓના તેમજ આશરે દસ હજાર જેટલા રહેવાસીઓ માટે આ એકમાત્ર મુખ્ય માર્ગ છે.

એસોસિએશનનો આક્ષેપ છે કે મુખ્ય માર્ગ પર ગેરકાયદે દબાણો અને અનધિકૃત મકાનો ઊભા કરી દેવાતા વાહનવ્યવહાર અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે જામનગર મહાનગરપાલિકાના કમિશનરને મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કે જવાબ મળ્યો નથી.

આથી એસોસિએશને જિલ્લા કલેક્ટરને મુખ્ય માર્ગ પરથી તમામ દબાણો અને અનધિકૃત બાંધકામો તાત્કાલિક દૂર કરાવી માર્ગ જાહેર ઉપયોગ માટે ખુલ્લો કરવાની માંગ કરી છે. સાથે જ આ અંગે ત્વરિત કાર્યવાહી કરી યોગ્ય જવાબ આપવા પણ રજૂઆતમાં વિનંતી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application