જામનગર : મર્ડરમાં મૃતક વૃઘ્ધની ઓળખ માટે મહત્વનું બન્યુ ‘આજકાલ’નું બ્રેકીંગ
સુભાષ બ્રિજ નીચે મચ્છીના ધંધાર્થીની લૂંટના ઇરાદે હત્યા કરાયાનું સામે આવ્યું
મૃતકના પુત્રએ અજાણ્ય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી : ત્રણ બત્તી વિસ્તારના સીસીટીવી કેમેરાના આધારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ: આશરે ૭ હજારની રોકડ અને મોબાઇલ લઇ ગયા
જામનગર શહેરમાં માત્ર પાંચ દિવસના સમયગાળામાં જ હત્યા અંગેનો વધુ એક કિસ્સો સામે આવતાં ભારે ચકચાર જાગી છે. જામનગરના સુભાષ બ્રિજ નીચેથી ગઈકાલે એક પુષ મૃતદેહ મળી આવ્યો હતો, અને તપાસ દરમિયાન તે મૃતદેહ બેડી વિસ્તારમાં માછીમારી કરતા અને રીક્ષા ચલાવતા એક વ્યક્તિનો હોવાનું જાણવા મળ્યું હતું, મૃતકના પુત્રએ આજકાલનું બ્રેકીંગ જોયા બાદ સ્થળ પર આવીને મૃતકની ઓળખ કરી હતી. તપાસ દરમિયાન મૃતક રીક્ષા ચાલક ત્રણ બત્તી વિસ્તારમાં માછલી ખરીદવા આવ્યા હતા, દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ તેઓને રિક્ષા સાથે સુભાષ બ્રિઝ નીચે લઈ આવ્યા બાદ તેઓની હત્યા કરી નાખી, રોકડ સાથેના પર્સ અને મોબાઈલ ફોનની લુંટ ચલાવી ભાગી છૂટયાની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી આરોપોઓને શોધવા માટેની કવાયત હાથ ધરી છે.
જામનગર શહેરમાં ગઈ કાલે સવારે સુભાષ બ્રિઝ નીચે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને હત્યાની પ્રબળ આશંકા વ્યકત કરીને તપાસના ચક્રો ગતીમાન કર્યા હતા, ત્યાર બાદ તપાસમાં મૃતકની ઓળખ બેડી વિસ્તારના રહેવાસી અને મચ્છી વેચવાનો વ્યવસાય કરતા ઇસ્માઈલભાઈ હારૂનભાઈ કેર (ઉ.વ. ૫૯) તરીકે થઈ હતી.
મૃતકના પુત્ર અસગર ઇસ્માઈલભાઈ કેર દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ, તા. ૦૪/૦૫/૨૦૨૬ના રોજ વહેલી સવારે આશરે ૫:૩૦ વાગ્યે તેમના પિતા પોતાની સી.એન.જી. રિક્ષા નં. જી.જે.-૧૦-ટી.ડબ્લ્યુ.-૦૮૧૪ લઈને ત્રણબત્તી સ્થિત મચ્છી માર્કેટમાં માછલી ખરીદવા ગયા હતા. તેઓ દરરોજની જેમ સવારે ૮:૦૦ થી ૮:૩૦ વાગ્યે ઘરે પરત ફરતા હતા, પરંતુ તે દિવસે સમયસર ઘરે ન પહોંચતા પરિવારજનોને ચિંતા ઉદભવી હતી.
પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેઓ ક્યાંય મળી ન આવતા બાદમાં સોશિયલ મીડિયામાં નદી કાંઠે શંકાસ્પ્દ હાલતમાં મળી આવેલા વૃઘ્ધના મૃતદેહ અંગેના વાયરલ થયેલા આજકાલના બ્રેકીંગ ન્યુઝ દ્વારા મૃતદેહના ફોટા પરથી મૃતકના પુત્ર દ્વારા સ્થળ પર જઇને ઓળખ કરવામાં આવી હતી.
ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા ઇસ્માઈલભાઈનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. તેમના માથા, કપાળ, આંખ ઉપર અને કાન પાસે ગંભીર ઈજાઓ જોવા મળી હતી, તેમજ ગળા પર દબાણના નિશાનો પણ જોવા મળ્યા હતા.
ફરિયાદ મુજબ, મૃતક દરરોજ મચ્છી વેચાણ માટે આશરે ૫,૦૦૦થી ૭,૦૦૦ જેટલી રોકડ રકમ પોતાના પાસે રાખતા હતા, પરંતુ ઘટના સ્થળેથી તેમનું પાકીટ, મોબાઈલ ફોન અને રોકડ રકમ ગુમ હોવાનું સામે આવ્યું છે. મૃતદેહથી થોડે દૂર રવિવારી ગુજરી બજાર નજીક નદીના પટ્ટામાં તેમની રિક્ષા પણ મળી આવી હતી.
આ પ્રાથમિક વિગતોના આધારે અજાણ્યા શખ્સોએ લૂંટના ઈરાદે ઇસ્માઈલભાઈને રિક્ષા સાથે સુભાષ બ્રિઝ વિસ્તારમાં લઈ જઈ તેમની ઉપર હુમલો કરી હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા હાલ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ દ્વારા આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને ઝડપથી આરોપીઓ સુધી પહોચવામાં સફળતા મળશે તેવુ પોલીસ સુત્રોએ જણાવ્યુ છે.