BREAKING NEWS

કોરોનાથી મૃત્યુ પામેલા એસટી નિગમના ૧૧૫ કર્મીઓના પરિવારોને ૨૫ લાખની સહાય ચૂકવાશે

  • July 22, 2026 09:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના મહામારી દરમિયાન નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતાં કોવિડ સંક્રમણના કારણે જીવ ગુમાવનારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ૧૧૫ કર્મચારીઓના પરિવારોને રૂ.૨૫ લાખની એક્સ-ગ્રેશિયા સહાયના ચેકનું વિતરણ ૨૭ જુલાઈ (બુધવાર)ના રોજ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-૧ સ્થિત નર્મદા હોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં કરવામાં આવશે. આ પહેલ હેઠળ કુલ રૂ.૨૮.૭૫ કરોડની આર્થિક સહાય આપવામાં આવશે, જે ગુજરાત સરકારની કર્મચારીઓના પરિવારો પ્રત્યેની સંવેદનશીલતા અને કોરોના જેવી વિકટ પરિસ્થિતિમાં જાહેર સેવા આપનારા કર્મચારીઓના યોગદાનને સન્માનિત કરવાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. રાજ્યના જાહેર પરિવહનની કરોડરજ્જુ સમાન એસટી નિગમ દરરોજ ૮,૦૦૦થી વધુ બસોનું સંચાલન કરે છે. દરરોજ ૩૪ લાખ કિલોમીટરથી વધુનું સંચાલન કરીને ૨૭ લાખથી વધુ મુસાફરોને પરિવહન સેવા પૂરી પાડે છે. કોર્પોરેશનના ડ્રાઇવરો, કંડક્ટરો અને મિકેનિકો રાજ્યમાં જાહેર પરિવહન વ્યવસ્થાને સતત કાર્યરત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, કોવિડ-૧૯ મહામારી દરમિયાન વર્ષ ૨૦૨૦- ૨૧માં નિગમે ગુજરાતમાં રહેતા પ્રવાસી શ્રમિકો અને મજૂરોને તેમના વતન સુધી સુરક્ષિત પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કોર્પોરેશને ત્રણ રાજ્યોમાં ૨૨,૯૫૩ ટ્રિપ્સનું સંચાલન કરીને કુલ ૬,૯૯,૩૫૭ મુસાફરોને તેમના વતન સુધી પહોંચાડ્યા હતા. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, આ વિશાળ રાહત કામગીરી દરમિયાન અનેક અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવતાં કોવિડ-૧૯થી સંક્રમિત થયા હતા અને કુલ ૧૧૫ કર્મચારીઓએ જીવ ગુમાવ્યો હતો. મૃત્યુ પામનારાઓમાં ૩૯ ડ્રાઇવર, ૩૧ કંડક્ટર, ૨૯ વહીવટી કર્મચારીઓ અને ૧૬ મિકેનિકનો સમાવેશ થાય છે, જે દર્શાવે છે કે કોર્પોરેશનના વિવિધ વર્ગના કોરોના વોરિયરોએ આ મહામારી સામે લડતમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું. હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે, ફરજ દરમિયાન કોવિડ સંક્રમિત થયેલા કર્મચારીઓની ઓળખ માટે કોર્પોરેશન દ્વારા રચાયેલી સમિતિએ વિગતવાર ચકાસણી કર્યા બાદ પાત્ર દરેક કર્મચારીના કાયદેસરના વારસદારોને રૂ.૨૫ લાખની આર્થિક સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવારોને આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે. આ સહાય કોર્પોરેશનના કોરોના વોરિયર્સની નિષ્ઠા, સેવા અને બલિદાનને અર્પિત શ્રદ્ધાંજલિ સમાન છે.

ઉલ્લેખનીય છે કે, કોવિડ ૧૯ ફરજ દરમિયાન રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓના મૃત્યુના કિસ્સામાં તેમને કોરોના વોરિયર ગણીને તેમના પરિવારજનોને આ સહાય ચૂકવવા પરિપત્ર થયેલો હતો. પરંતુ એસટી તંત્રએ નિગમ હોવાથી તેમના પરિવારજનોને આ સહાયનો લાભ મળવા અંગે આંટીઘૂંટી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખૂબ જ સંવેદના સાથે આ મુદ્દાને ધ્યાનમાં લઈને તેનો રસ્તો નીકળ્યો અને ડ્રાઈવર કંડકટર સહિત ૧૧૫ કર્મચારીઓને કોરોના વોરિયર ગણવા અને તેમના પરિવારને પણ રૂ.૨૫ લાખની સહાય ચૂકવવા માટે મહત્વનો નિર્ણય કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application