BREAKING NEWS

સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમીની ઉજવણી, મથુરા-વૃંદાવનમાં મધ્યરાત્રિએ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી

  • September 05, 2026 12:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર સમગ્ર દેશમાં ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણના જનમ સ્થાન મથુરા અને વૃંદાવનમાં મોડી રાત્રે અદ્ભુત અને અલૌકિક વાતાવરણ જોવા મળ્યું હતું. મધ્યરાત્રિએ જેવા જ ઘડિયાળમાં 12 વાગ્યા, કે તુરંત જ કન્હૈયાના જન્મની ખુશીમાં આખું બ્રજધામ 'નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી'ના નાદથી ગૂંજી ઊઠ્યું હતું. હજારો ભક્તો મધ્યરાત્રિએ લલ્લાના પ્રાગટ્યની ક્ષણના સાક્ષી બન્યા હતા અને આનંદમાં ઝૂમી ઊઠ્યા હતા.

રાત્રે 12 વાગ્યે કાનુડાનો જન્મ થતાં જ મંદિરોમાં વિશેષ મહાઆરતી અને પંચામૃત અભિષેક કરવામાં આવ્યો હતો. જન્મોત્સવની આ શુભ ક્ષણ બાદ આજે સવારથી જ મથુરા અને વૃંદાવનના તમામ મુખ્ય મંદિરોમાં નંદોત્સવની ધામધૂમથી ઉજવણી શરૂ થઈ ગઈ છે. નંદબાબાના ઘરે પુત્ર રત્નની પ્રાપ્તિની ખુશીમાં મંદિરોમાં પૂજારીઓ અને ગોસ્વામી સમાજ દ્વારા શ્રદ્ધાળુઓ પર મીઠાઈઓ, ફળો, વસ્ત્રો અને વિવિધ ભેટ-સોગાદો લૂંટાવવામાં આવી રહી છે. આ દિવ્ય ભેટો મેળવવા માટે મંદિરોમાં ભક્તોનું વિશાળ જનમેદની ઉમટી પડી છે.


મથુરાના પ્રસિદ્ધ નંદગાંવ સ્થિત નંદભવનમાં વાતાવરણ સંપૂર્ણપણે કૃષ્ણમય બની ગયું છે. ગઈકાલે બપોરથી જ નંદભવનમાં ગોસ્વામી વૃંદ દ્વારા અષ્ટછાપ કવિઓની વાણીઓનું સમાજ ગાયન શરૂ કરવામાં આવ્યું હતું, જે સતત 3 કલાકથી વધુ સમય સુધી ચાલ્યું હતું. "જાયૌ જસોદા જલેબી સી રાની ને, આજ રબડી સી રાત મેં લડુઆ સો લાલા" જેવા મધુર પદોના ગાનથી સમગ્ર પરિસર ભક્તિરસમાં ડૂબી ગયું હતું. સાંજના સમયે બરસાનાથી પરંપરાગત પોશાકમાં આવેલા સમાજીઓએ નંદગાંવના ગોસ્વામી સમાજ સાથે મળીને સંયુક્ત સમાજ ગાયન કર્યું હતું.


​​​​​​​નંદગાંવમાં એક વિશેષ પરંપરા 'ખુર ગણતરી' મુજબ રક્ષાબંધનના બરાબર 8 દિવસ પછી જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. રાત્રે ભગવાનના જન્મ પછી હવે આજે આખા બ્રજ ક્ષેત્રમાં નંદોત્સવનો ઉત્સાહ ચરમસીમાએ છે. મથુરા, વૃંદાવન, ગોકુલ અને નંદગાંવના ખૂણે-ખૂણેથી શ્રદ્ધાળુઓ ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપના દર્શન કરવા અને નંદોત્સવની ખુશીઓમાં ભાગ લેવા પહોંચી રહ્યા છે. સમગ્ર બ્રજ મંડળ અત્યારે કન્હૈયાના પ્રેમ અને ભક્તિના રંગમાં રંગાયેલું નજરે પડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News