BREAKING NEWS

ભાણવડ તાલુકા ઘુમલી ખાતે બરડા ડુંગરના પ્રાકૃતિક સાનિધ્યમાં  ૭૭માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની જિલ્લા પંચાયત પ્રમુખ  ગૌરીબેન હાથિયાના અધ્યસ્થાને ગૌરવભેર ઉજવણી કરાઈ

  • August 29, 2026 05:51 PM 

એક પેડ માઁ કે નામ ૩.૦ : ૭૭મો વન મહોત્સવ
​​​​​​​


ભાણવડ તાલુકા ઘુમલી ખાતે બરડા ડુંગરના પ્રાકૃતિક સાનિધ્યમાં  ૭૭માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની જિલ્લા પંચાયત પ્રમુખ  ગૌરીબેન હાથિયાના અધ્યસ્થાને ગૌરવભેર ઉજવણી કરાઈ

વન મહોત્સવ માત્ર વૃક્ષારોપણ પૂરતું સીમિત ન રહેતા એ આપણી પેઢીને સમૃદ્ધ વારસો આપવાનું માધ્યમ બન્યું છે : રાજ્યસભા સાંસદ  જીતેન્દ્રભાઈ કણઝારિયા

પ્રકૃતિના સંરક્ષણ માટે કુદરતી સંસાધનો સમજદારીપૂર્વક ઉપયોગએ સાંપ્રત સમયની જરૂરિયાત છે : ધારાસભ્ય શ્રી મુળુભાઇ બેરા

પર્યાવરણ સંરક્ષણને સામાજિક દાયિત્વ સમજી  મહત્તમ વૃક્ષોનું વાવેતર અને જતન કરવું જોઈએ : કલેકટર શ્રી રાજેશ તન્ના

પર્યાવરણના સંરક્ષણ માટે વિશિષ્ટ કામગીરી કરનાર વનકર્મીઓને મહાનુભાવો હસ્તે કરાયા સન્માનિત

પુરુષાર્ષ સંકુલના વિધાર્થીઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અંગે પ્રેરણા આપતું લઘુ નૃત્ય પ્રસ્તુત કરાયું 

 ભાણવડ તાલુકાના ઘુમલી ખાતે બરડા ડુંગરના પ્રાકૃતિક સાનિધ્યમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના ૭૭માં વન મહોત્સવની ગૌરવભેર ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગૌરીબેન હાથિયાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. 

આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયા જણાવ્યું હતું કે, વન મહોત્સવએ વૃક્ષારોપણ પૂરતો સીમિત નથી પરંતુ આપણી આવનારી પેઢીને સમૃદ્ધ વારસાને સશક્ત કરવાનું માધ્યમ છે. પ્રકૃતિએ આપણા જીવનનો મુખ્ય આધાર છે. યશશ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ સંરક્ષણના સંકલ્પને વધુ મજબૂત કરતા એક પેડ માં કે નામ અભિયાનનો વિચાર મૂર્તિમંત કર્યો છે. 

વધુમાં સંસદએ જણાવ્યું કે, ગુજરાતના સપૂત એવા સ્વ.કનૈયાલાલ મુનશીજીએ પર્યાવરણ સંરક્ષણ જરૂરિયાતોને સમજી વન મહોત્સવની ઉજવણી શરૂ કરાવી હતી. આ વન મહોત્સવની ઉજવણી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ચેક તાલુકા કક્ષા સુધી પહોંચાડી પર્યાવરણ સંરક્ષણના પ્રયાસોને નવી દિશા આપી છે.  પ્રકૃતિ સંરક્ષણના સંકલ્પને વધુ સશક્ત બનાવવા આપણે સૌએ મહત્તમ વૃક્ષો વાવેતર કરી તેનું જતન કરવું જોઈએ. 

આ તકે જિલ્લાવાસીઓને ૭૭માં વન મહોત્સવની શુભકામનાઓ પાઠવતા ધારાસભ્ય શ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં જળવાયુ પરિવર્તનની અસરને પરિણામે અસહ્ય ગરમી, અતિવૃષ્ટિ, સુનામી જેવી કુદરતી આફતો પ્રમાણ વધ્યું છે. અબોહવાકીય ફેરફારોના  વૈશ્વિક પડકારો વચ્ચે દૂરંદેશી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં "એક પેડ માઁ કે નામ" અભિયાનની શરૂઆત કરાવી હતી જેની ત્રીજી શૃંખલા "એક પેડ માઁ કે નામ ૩.૦" સાથે આપણે સૌએ મહત્તમ વૃક્ષારોપણ કરવું જોઈએ. 

વધુમાં ધારાસભ્યએ જણાવ્યું કે, વન મહોત્સવ એટલે જન જનને પર્યાવરણ સાથે જોડાવાનો અવસર છે. ગ્રીન કવર વધારવા માટે વડાપ્રધાનશ્રીના "એક પેડ માઁ કે નામ" આહવાનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સુપેરે પાર પાડ્યું છે. વૃક્ષો આપણે આધારસ્તંભ સમા પ્રાણવાયુ રૂપ ઓક્સિજન પૂરો પાડી રહ્યું છે ત્યારે આપણે જ તેનું નિકંદન કાઢી આપણા પોતાના પર આફત વહોરી રહ્યા છીએ. માત્ર વૃક્ષોનું વાવેતર કરવું જ આવશ્યક નથી પણ તેની જાળવણી કરવી પણ એટલી જ આવશ્યક છે. પર્યાવરણના સંરક્ષણના પ્રયાસો જેટલા સરકાર કરી રહી છે તેની સાથે સાથે જનભાગીદારી સુનિશ્ચિત કરવી આજના સમયની માંગ છે.
 

વધુમાં ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે પ્રકૃતિ અને સંસ્કૃતિના સંગમ સમાન સાંસ્કૃતિક વનોના નિર્માણની પરંપરાને વિકેન્દ્રીકરણ કરી દરેક જિલ્લામાં એક સાંસ્કૃતિક વનનું નિર્માણ થાય તેવું સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે. વન મહોત્સવએ આપણે મહત્તમ વનીકરણ સાથે સાથે પર્યાવરણીય સમતુલા જાળવવાનો પણ અનેરો સંદેશો પૂરો પાડે છે. એટલે જ પર્યાવરણ સંરક્ષણ માટે હવે કુદરતી સંસાધનો સંયમિત ઉપયોગ અને જળસંચય જેવી કામગીરીને વધુ વેગવંતી બનાવવી પડશે તો જ આપણી આવનારી પેઢીને આપણે સુરક્ષિત અને સ્વચ્છ પર્યાવરણની ભેટ આપી શકશું. 

આ અવસરે જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્નાએ જણાવ્યું હતું કે, વન મહોત્સવએ માત્ર સરકારી કાર્યક્રમની ઉજવણી પૂરતો સીમિત ન રહે પરંતુ સમાજનો દરેક વ્યક્તિ ભાવાત્મક રીતે જોડાઈ પોતાનું સામાજિક દાયિત્વ સમજી પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપવું જોઈએ. તેમજ જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું છે ત્યારે આપણે સૌએ જાગૃત થઈ આપણા ખેતરના શેઢે, ઘરમાં, શેરીઓમાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવા સૌને અનુરોધ કર્યો હતો. 

જિલ્લા કક્ષાના ૭૭માં વન મહોત્સવમાં પર્યાવરણ સંરક્ષણ માટે શ્રેષ્ઠ કામગીરી કરનારા વન કર્મીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. 

ભાણવડની પુરુષાર્થ સંકુલના વિધાર્થીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ પર્યાવરણ જાગૃતિ અર્થે વૃક્ષરથને મહાનુભાવોએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.ઉપરાંત, મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પ્રકૃતિ સંરક્ષણનો સંદેશો આપ્યો હતો.  

જિલ્લા કક્ષાના ૭૭માં વન મહોત્સવમાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત પરીક્ષેત્ર વન અધિકારી  દક્ષાબેન સોરઠીયા તેમજ આભારવિધિ પરીક્ષેત્ર વન અધિકારી જે.બી.ગઢવી દ્વારા કરવામાં આવી હતી.


જિલ્લા કક્ષાના ૭૭માં વન મહોત્સવમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ચિમનભાઈ નકુમ, જિલ્લા પંચાયત સદસ્ય જયેશભાઈ જેઠવા, નાયબ વન સંરક્ષક અરુણકુમાર વી., ચિરાગ ચાંદગુડે, મદદનીશ વન સંરક્ષક રોનીન સિંહ, સી.જે.દાફડા,  તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રીતેશભાઈ ડાંગર, અગ્રણી સર્વે મયુરભાઈ ગઢવી, જે.કે.હાથિયા, એભાભાઈ કરમૂર, ગોવિંદભાઈ કનારા, દેવશીભાઈ કરમૂર, પ્રિયેશભાઇ અનડકટ સહિત પદાધિકારીઓ, વન વિભાગના અધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application