જામનગર: ધુતારપરમાં ધિરાણની ૨૩ લાખની રકમ ઉપાડી લઇ છેતરપીંડી
બેન્ક કર્મી સામે રાવ : જાણ બહાર ચેકથી રકમ લઇ અંગત ઉપયોગમાં લીધી : અન્ય ખેડુતો સાથે ઠગાઇ બાબતે પોલીસ તપાસ
જામનગર તાબેના ધુતારપરમાં ખેડુત પરિવારના ૩ સભ્યોના ખાતામાંથી ધિરાણની મંજુર થયેલી રકમ ઉપાડી લઇને ૨૩ લાખનો વિશ્ર્વાસઘાત કર્યાની બેન્ક કર્મી સામે ફરીયાદ કરવામાં આવતા ચકચાર મચી છે. અન્ય ખેડુતને પણ શિકાર બનાવ્યા છે કે કેમ એ બાબતે પણ તપાસનો ધમધમાટ આદર્યો છે ઉપરાંત પોલીસ દ્વારા પુરાવા એકત્ર કરવામાં આવી રહયા છે.
જામનગર તાલુકાના ધુતારપર ગામમાં રહેતા ખેડુત પરસોતમ ચનાભાઇ લીંબાસીયા (ઉ.વ.૫૧) એ ગઇકાલે પંચ-એમાં જામનગર લક્ષ્મીપાર્કમાં રહેતા દિપેન કુછડીયા નામના શખ્સ સામે બીએનએસ કલમ ૩૧૬(૨) મુજબ વિશ્ર્વાસઘાત કર્યાની ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદી પરસોતમભાઇની માલીકીની ધુતારપર ગામે આવેલી નવા સર્વે નં. ૧૧૧૭ની તેમજ સર્વે નં. ૭૦૫ની ફરીયાદી તથા તેમના માતા ઉજીબેનના નામે આવેલી હોય જે જમીન ઉપર તા. ૧૩-૧૧-૨૪ના રોજ ધુતારપર ગામે બેન્ક ઓફ બરોડાએ ફરીયાદી ધિરાણ ઉપાડવા માટે બેન્કમાં ગયા હતા.
ફરીયાદી તેમજ તેમના માતાનું ધિરાણ તેમજ બચત ખાતુ હોય જેમાં માતા-પુત્રના નામે બંને ખાતામાં ૨૦ લાખનું ધિરાણ મંજુર કરાવેલ હોય જે રૂપીયા આરોપી દિપેને ફરીયાદીની જાણ બહાર કોઇપણ રીતે ઉપાડી લીધા હતા તેમજ ફરીયાદીના પત્ની જયોત્સનાબેનના બચત ખાતામાંથી ફરીયાદીની જાણ બહાર ફરીયાદીના પત્નીના ચેક તેમજ અન્ય કોઇપણ રીતે ૩ લાખ ઉપાડી લીધા હતા આમ કુલ ૨૩ લાખ રૂપીયા જેવી રકમ પોતાના અંગત લાભ માટે ઉપયોગમાં લઇ આરોપીએ ફરીયાદી સાથે વિશ્ર્વાસઘાત કર્યો હતો.
આ ફરીયાદના આધારે પંચ-એ પીઆઇ શેખની સુચનાથી પીએસઆઇ એ.આર. પરમાર તપાસ ચલાવી રહયા છે. વધુમાં જાણવા મળેલી વિગત મુજબ ફરીયાદીને બેન્કની રકમ બાબતે તપાસ કરતા જાણવા મળેલ કે દિપેન ગામના અન્ય ખેડુતો તેમજ આજુબાજુમાં રહેતા ખેડુતો સાથે પણ આ રીતે વિશ્ર્વાસ કરીને રકમ ઉપાડી લીધેલ છે. જે બાબતે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે. આરોપી બેન્ક કર્મીએ ઉપરોકત ફરીયાદમાં ફરીયાદીના ખાતામાં ધિરાણની રકમ જમા થયેલ એ પછી ચેકથી ઉપાડી લીધી હોવાનું તપાસમાં સામે આવ્યુ છે હાલ પોલીસે ફરીયાદના આધારે વિશ્ર્વાસઘાતનો ગુનો નોંધી પુરાવા એકત્ર કરવા કાર્યવાહી લંબાવી છે.