BREAKING NEWS

જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં ચાલતી ઈ-બસ સેવાનો વધુ વિસ્તાર કરવા માટેની મહત્વપૂર્ણ કાર્યવાહી

  • August 03, 2026 12:42 PM 

જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં ચાલતી ઈ-બસ સેવાનો વધુ વિસ્તાર કરવા માટેની મહત્વપૂર્ણ કાર્યવાહી

વધુ ૨૫ એરકન્ડીશન્ડ બસો મળી, હવે કુલ ૫૦ બસો દોડશે; ૧૧૦ બસ સ્ટોપ પર પાટિયાં લગાવાયા

નજીકના ધુંવાવ, અલીયાબાડા, નાઘેડી, લાખાબાવળ, દરેડ, મસીતીયા, કનસુમરા અને દડીયા ગામો પણ શહેરની બસ સેવામાં જોડાશે

જામનગર તા ૩, જામનગર શહેરમાં પ્રધાનમંત્રી ઈ-બસ યોજના હેઠળ શરૂ કરાયેલી એરકન્ડીશન્ડ સીટી બસ સેવાનો હવે વધુ વિસ્તાર થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી જામનગર મહાનગરપાલિકાને વધુ ૨૫ ઈ-બસો ફાળવવામાં આવતાં હવે શહેરમાં કુલ ૫૦ એરકન્ડીશન્ડ ઈ-સીટી બસો ઉપલબ્ધ બની છે. આ નવી બસોનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે.

ગત ૧૬ જૂનથી ૨૫ ઈ-બસો પાંચ રૂટ પર દોડી રહી છે. હવે વધુ ૨૫ બસો મળતાં શહેરમાં નવા સાત રૂટ ઉમેરવાની તૈયારી હાથ ધરાઈ છે. નવા રૂટ દ્વારા શહેરથી ૧૦થી ૧૫ કિલોમીટરના અંતરે આવેલા ધુંવાવ, અલીયાબાડા, નાઘેડી, લાખાબાવળ, દરેડ, મસીતીયા, કનસુમરા અને દડીયા જેવા ગામોને સીધી બસ સેવા સાથે જોડવામાં આવશે.

મહાનગરપાલિકાએ શહેરમાં નિર્ધારિત ૨૨૨ બસ સ્ટોપ પૈકી ૧૧૦ સ્થળોએ રૂટની માહિતી દર્શાવતા આધુનિક પાટિયાં લગાવવાની કામગીરી પૂર્ણ કરી છે, જ્યારે બાકીના સ્થળોએ પણ કામગીરી ઝડપથી ચાલી રહી છે.

​​​​​​​નવી બસો તાજેતરમાં ઈ-બસ ડેપો ખાતે પહોંચી ગઈ છે. ભારે વરસાદની આગાહીના કારણે લોકાર્પણ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે ટૂંક સમયમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ નવા રૂટની સત્તાવાર જાહેરાત પણ કરાશે.

હાલ શહેરમાં પાંચ મુખ્ય રૂટ પર દર ૩૦ મિનિટે ઈ-સીટી બસ ઉપલબ્ધ રહે તે રીતે સેવા ચાલી રહી છે. નવા રૂટ શરૂ થતાં જીઆઈડીસી વિસ્તાર, નવા વિકસતા રહેણાંક વિસ્તારો તેમજ શહેરને અડીને આવેલા ગામોના હજારો લોકોને સસ્તી, સુરક્ષિત અને એરકન્ડીશન્ડ જાહેર પરિવહનની વધુ સારી સુવિધા મળશે.

આ અંગે તમામ માહિતી જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન એપ પરથી મળી રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application