કાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ: હાલાર બનશે શિવમય
શ્રદ્ધા: જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવ મંદિરોમાં દર્શન, પુજા, અને અર્ચન માટે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડશે, ભકતો શિવભકિતમાં લીન થશે
ચોમેર ઓમ નમ: શિવાયનો નાદ ગુંજી ઉઠશે આજે અમાવસ્યા તિથિ પિતૃઓની પુજા માટે વિશેષ દિવસ: દશામાંનુ આજથી શ થયેલુ વ્રત ૨૧ ઓગસ્ટે પુર્ણ થશે
આજે શ્રાવણી અમાવસ્યા આવતીકાલથી શ્રાવણ માસનો પ્રારંભ થશે, સમગ્ર હાલારના શિવાલયોમાં ભાવિકો શિવમયમાં થશે લીન, ભોળાનાથના ભકતો જેની આતુરતાપુર્વક રાહ જોતા હોય છે તે ભગવાન શિવનો મહિનો શ્રાવણ માસ આવતીકાલ ગુરૂવારથી શરૂ થઇ રહ્યો છે ત્યારે શિવભકતો મહાદેવની ભકિતના સાગરમાં ડૂબકી લગાવી પુણ્ય પ્રાપ્ત કરશે.
આજે શ્રાવણી અમાવસ્યા હોવાથી પિતૃઓની પુજા અને તર્પણ માટે વિશેષ દિવસ માનવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીઓ અને તીર્થસ્થાનોમાં સ્નાન કરી પિતૃઓના તર્પણ કરવાની પરંપરા છે. આજે જામનગર સહિત હાલારભરમાં શિવ મંદિરે મહાદેવને જલાભિષેક બાદ પિતૃઓના તર્પણ વિધિમાં પરિવારજનો સાથે ભાવિકો જોડાયા હતા.
આજના દિવસે જે લોકો કોઇ તીર્થ કે પવિત્ર નદી સુધી જઇ શકતા નથી તેઓ ઘરે પણ સ્નાનની ધાર્મિક વિધિ કરતા હોય છે. આ માટે પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરતા હોય છે. ત્યારબાદ પિતૃઓને યાદ કરીને શકિત અનુસાર અન્ન, જળ, વસ્ત્ર કે જરૂરિયાતની અન્ય વસ્તુઓનું દાન કરતા હોય છે. આ ઉપરાંત ગાયોને, શ્ર્વાન, કાગડાઓને પણ રોટલી કે અન્ય ભોજન કરાવવામાં આવે છે.
હાલારના બેટ દ્વારકા, ઓખાથી જામજોધપુર સુધી, જોડિયાથી ભાણવડ સુધીના શિવાલયો શ્રાવણ માસના પ્રારંભના પૂર્વ દિવસથી જ ભોળાનાથના મંદિરો રોશનીના શણગારથી સજ્જ બન્યા છે. આખો મહિનો તમામ શિવાલયોમાં મહાઆરતી, લઘુરૂદ્ર, બટુક ભોજન, ઘ્વજા રોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
ભોળાનાથના ભકતો શિવની કૃપા પ્રાપ્ત કરવા ઉપવાસ, એકટાણા સહિતના વ્રત કરીને ભોળાનાથને રિઝવશે. ખાસ કરીને હાલારના પ્રાચીન મંદિરો દ્વાદશ જયોતિર્લિંગ નાગેશ્ર્વર, ચંદ્રમૌલેશ્ર્વર, ભડકેશ્ર્વર, ભૂતનાથ મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, નાગનાથ મહાદેવ, નાગેશ્ર્વર મહાદેવ, જાગનાથ મહાદેવ, ભીડભંજન મહાદેવ, ગોપનાથ મહાદેવ, કામેશ્ર્વર મહાદેવ, ટાકેશ્ર્વર મહાદેવ, સુખનાથ મહાદેવ, ભોળેશ્ર્વર મહાદેવ, ખામનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, કાશીવિશ્ર્વનાથ મહાદેવ, વિશ્ર્વેશ્ર્વર મહાદેવ, સપ્તેશ્ર્વર મહાદેવ, ઇન્દ્રેશ્ર્વર મહાદેવ, ગાંધેશ્ર્વર મહાદેવ, બ્રહ્મનાથ મહાદેવ સહિતના શિવાલયોમાં વિશેષ ભીડ જોવા મળશે.
જામખંભાળીયામાં આવેલ સુપ્રસિદ્ધ ખામનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમ્યાન ઘીની વિશેષ મહાપુજા કરવામાં આવે છે. જેના દર્શન કરવા એક લ્હાવો છે. જામનગરના સિદ્ધનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસના સોમવારે વિશેષ નગારા, આરતી, યોજાય છે. આવતીકાલથી જામનગરના તમામ શિવાલયમાં ભકતજનોની ભીડ વહેલી સવારથી જ દર્શનાર્થે ઉમટી પડશે.
આવતીકાલથી શ્રાવણ માસનો પ્રારંભ થશે જેની પુર્ણાહુતિ ૧૧ સપ્ટેમ્બર શુક્રવારના રોજ થશે. શ્રાવણ માસ દરમ્યાન કુલ ૪ સોમવાર આવશે જામનગર સહિત સમગ્ર હાલારના શિવાલયોમાં ૩૦ દિવસ સુધી ભોળાનાથની આરાધના અને વિશેષ પુજન, અર્ચન, અનુષ્ટાન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
આજથી દશામાના વ્રતનો પ્રારંભ થયો છે, જેની પુર્ણાહુતિ ૨૧ ઓગસ્ટે થશે અને ૨૨ ઓગસ્ટે વિસર્જન થશે. જામનગરમાં દશામાના વ્રતને લઇને બહેનો દ્વારા માતાજીની સ્થાપના કરી પુજન, અર્ચન, જાપ, પાઠ કરી વ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. લોકવાયકા મુજબ દશામાને દસ મહાવિદ્યાના સ્વરૂપ સાથે પણ જોડવામાં આવે છે.
કેટલાક લોકોના મતે જીવનમાં ચાલી રહેલી ખરાબ દશામાંથી મુકિત અપાવનાર દેવી તરીકે તેમનું દશામા નામ પડયું છે. ૨૧ ઓગસ્ટે પુર્ણાહુતિ બાદ રર ઓગસ્ટે દશામાંની મુર્તિનું વિસર્જન કરવામાં આવશે. જામનગર જિલ્લામાં ગોપના ડુંગરે બિરાજમાન સ્વયંભૂ ગોપનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમ્યાન અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે, ગોપનાથ મહાદેવનું વિશેષ મહત્વ એટલા માટે છે કે આ મહાદેવની પુજા કાળીયા ઠાકોરે પણ કરી છે, ડુંગર ઉપર કુદરતી વાતાવરણમાં ભોળાનાથ બિરાજમાન છે. શ્રાવણ માસ દરમ્યાન લઘુરૂદ્ર, ઘ્વજારોહણ, બટુક ભોજન, સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. જેમાં અનેક શિવભકતો જોડાઇને ધન્યતા અનુભવતા હોય છે.