ઓખા: બેટ દ્વારકા દ્વારકાધીશ મંદિરે ઘ્વજારોહણના નવા નિયમો સામે હિન્દુ સમાજ નારાજ: આવેદન પાઠવ્યું
બેટ દ્વારકા દ્વારકાધીશ મંદિરે ઘ્વજારોહણની વર્ષો જુની પરંપરાને તોડી-મરોડીને નવા નિયમો મંદિર દેવસ્થાન સમિતિએ લાગુ કરાતા બેટ દ્વારકાના સનાતન હિંદુ સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
વિસ્તૃત આવેદનમાં જણાવાયું છે કે બેટ દ્વારકાધીશની ધજાજી જે ધાર્મિક પ્રચલિત પ્રથા છે જે બેટ ગામના હિંદુ સમાજના માનસ પર ઉંડે સુધી બેસી ગયેલી પ્રથા છે. ધજાજી એ દ્વારકાધીશનું ધાર્મિક અને સનાતન સ્વરૂપ છે. તેના વિશે ગમે ત્યારે સતા ધરાવતા વ્યકિતઓએ ગમે તેમ વિચારવુ એ ભૂલભરેલુ અને પાપને પાલવ લેવા જેવું છે. આજ દિન સુધી મંદિરના ગાદીપતિ બ્રહ્માચાર્ય એવી હિંમત કરી ન હતી. કારણકે હિંદુ પ્રજાને ધર્મની વિરુદ્ધ માર્ગદર્શન કરવા જેવું છે. અને પ્રજાના માનસ ઉપર ખોટો મેસેજ જશે.
હિંદુ સમાજ દ્વારા બેટ દેવસ્થાન સમિતિએ આવા તઘલઘી નિર્ણયો લેવા જોઇએ નહીં. અગાઉ વર્ષો પહેલા મંદિરનો વહીવટ ગાયકવાડ સરકાર કરતી હતી, ત્યારે તેના પુત્રી ધાર મઘ્યપ્રદેશથી દર્શને આવેલા ત્યારે ધજાજીની માનતા રાખેલી અને તેમને ત્યાં પુત્ર પ્રાપ્તિ થતાં શ્રીજીને ધામધૂમથી ધજા ચડાવી જે ધજાજીમાં આજ સુધી ફેરફાર થયેલ નથી, તો ચંચુપાત વ્યાજબી નથી, ખુબ જ વિચારીને આવા ફેરફારો કરવામાં આવે નહિં તો તેનું ગંભીર પરિણામ આવશે. દરરોજ છ ધજા ચડશે તેવો કોઇ નિયમ નથી જે સમિતિ દ્વારા લગાડવામાં આવેલ છે. ધજાના રૂ.૨૧૦૦ હતા તે બરાબર હતા, આ અંગે તાકીદે યોગ્ય નિર્ણય લેવામાં નહિ આવે તો ગાંધી ચિંઘ્યો માર્ગ અપનાવવાની ફરજ પડશે તેમ બેટ હિંદુ સમાજ દ્વારા ચીમકી આપવામાં આવી છે.