BREAKING NEWS

જામનગર: ધ્રોલના ઐતિહાસિક ભૂચરમોરીના મેદાનમાં અશ્ર્વ-તલવારબાજી સ્પર્ધા યોજાઇ

  • September 03, 2026 12:15 PM 

જામનગર: ધ્રોલના ઐતિહાસિક ભૂચરમોરીના મેદાનમાં અશ્ર્વ-તલવારબાજી સ્પર્ધા યોજાઇ

રાજયમંત્રી રિવાબા જાડેજા, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા સહિતના મહાનુભાવોએ શહીદોને આપી શ્રદ્ધાંજલી

આજે શીતળા સાતમના પવિત્ર દિવસે છેલ્લા ૩૫ વર્ષથી ધ્રોલ ખાતે યોજાતા ભૂચરમોરીના મેદાનમાં શહીદ શ્રદ્ધાંજલી, અશ્ર્વ સ્પર્ધા તેમજ તલવારબાજી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં રાજપૂત સમાજના મહાનુભાવો, રાજયમંત્રી, રાજયસભાના સાંસદ, કલેકટર, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં અગ્રણીઓ, વડીલો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહેલ હતા. 

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને ભૂચરમોરી શહીદ સ્મારક ટ્રસ્ટ ધ્રોલ દ્વારા આયોજીત ૩૫મો ભૂચરમોરી શહીદ શ્રદ્ધાંજલી સમારોહ આજે પવિત્ર શીતળા સાતમના દિવસે ધ્રોલના ભૂચરમોરી મેદાન ખાતે સવારે ૮ વાગ્યાથી વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. સવારે ૮ વાગ્યે કાર્યક્રમના પ્રારંભમાં છેલ્લા ૨૫ વર્ષથી યોજાતી અશ્ર્વ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં લગભગ ૫૦ અશ્ર્વ અને ૪૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વિજેતાઓને સન્માન કરવામાં આવ્યા હતા.

 ત્યારબાદ નવા શહીદ સ્મારક પાસે તલવારબાજી પણ યોજાઇ હતી. જેમાં વિવિધ સ્પર્ધકો પણ જોડાયા હતા. જેમાં સમાજના દિકરીઓ સહિત ૬૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તદઉપરાંત સવારે ૧૦ વાગ્યે જુના અને નવા શહીદ સ્મારક ખાતે મહાનુભાવો દ્વારા ભૂચરમોરીના શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. જેમાં રાજયમંત્રી રિવાબા જાડેજા, રાજયસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, મંત્રી સંજયસિંહ મહીડા, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, જિલ્લા કલેકટર પરિમલભાઇ પંડયા, જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી, અગ્રણી પી.ટી. જાડેજા, પૂર્વ કલેકટર હનુમંતસિંહ જાડેજા, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, દેવેન્દ્રસિંહ ઝાલા (યુપી ઝાલર સ્ટેટ) સહિતના મહાનુભાવોએ શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી. 

ત્યારબાદ યુવા સંઘ સ્મૃતિહોલનું મહાનુભાવોના હસ્તે ઉદઘાટન કરાયું હતું. તેમજ ઇતિહાસ જ્ઞાન કસોટી-૩માં ગુજરાતમાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ ધો.૧૦ અને ૧૨નાં રાજપૂત સમાજમા મેરીટમાં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. તેમજ અશ્ર્વ સવારી અને તલવારબાજી સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવનાર સ્પર્ધકોને મહાનુભાવોને હસ્તે રોકડ પુરસ્કાર, ભેટ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. 

આ કાર્યક્રમમાં સમગ્ર રાજપૂત સમાજના અગ્રણીઓ, વડીલો, ભાઇઓ, બહેનો તેમજ આસપાસનાં ગામ તેમજ સમગ્ર ભારતભરમાંથી લોકો જોડાયા હતા. બહોળી સંખ્યામાં આસપાસના ગ્રામજનો કાર્યક્રમને નિહાળવા ઉમટી પડયા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application