BREAKING NEWS

જામનગર: જોડિયા પંથકના ખેડૂતોનો ધારાસભ્ય રાઘવજી પટેલના નિવાસસ્થાને હલ્લાબોલ

  • September 19, 2026 01:33 PM 

જામનગર: જોડિયા પંથકના ખેડૂતોનો ધારાસભ્ય રાઘવજી પટેલના નિવાસસ્થાને હલ્લાબોલ

આક્રોશ: સિંચાઇના પ્રશ્ર્ને જામનગર કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યા બાદ કોઇ સંતોષકારક પ્રત્યુત્તર  ન મળતાં રોષે ભરાયેલા ખેડૂતોના દેખાવ, આંદોલન ઉગ્ર બનવાના એંધાણ

ધ્રોલમાં ધારાસભ્યના મકાનને ઘેરાવ કરી કેનાલમાં સિંચાઈનું પાણી છોડવાની મક્કમ માંગણી સાથે ધરણાં: ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં સિંચાઈના પાણીની ગંભીર સમસ્યાને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ઊંડ-૧ કેનાલ અને સૌની યોજના અંતર્ગત ખેતી માટે તાત્કાલિક પાણી છોડવાની ઉગ્ર માંગણી સાથે જોડિયા પંથકના આઠ ગામોના ખેડૂતો ધ્રોલ ખાતે પૂર્વ કૃષિમંત્રી અને સ્થાનિક ધારાસભ્ય રાઘવજી પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ખેડૂતોએ ધારાસભ્યના ઘરનો ઘેરાવો કરીને ધરણા શરૂ કરી દીધા છે અને જ્યાં સુધી પાણી છોડવાનો સત્તાવાર નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી સ્થળ પરથી એક ઇંચ પણ પાછા ન હટવાની મક્કમ ચીમકી ઉચ્ચારી છે.

આ આંદોલન પૂર્વે ખેડૂતો સિંચાઈના પ્રશ્ને ન્યાય મેળવવા સવારે જામનગર કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા ગયા હતા. જોકે, વહીવટી તંત્ર તરફથી કોઈ સંતોષકારક પ્રતિસાદ કે નક્કર ઉકેલ ન મળતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો. તંત્રના ઉદાસીન વલણથી નારાજ થઈને લીંબુડા, હડીયાણા, બાવડી, નથુવડલા, આણદા, મજોઠ અને બેરાજા સહિતના આઠ ગામોના ખેડૂતો સંગઠિત થઈ સીધા ધ્રોલ ખાતે રાઘવજી પટેલના બંગલે ધસી ગયા હતા. ધારાસભ્ય સ્થળ પર હાજર ન હોવા છતાં ખેડૂતોએ ઘરના પટાંગણમાં જ ડેરા-તંબૂ તાણી ધરણાં શરૂ કરી દીધા હતા.

વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા ખેડૂત અગ્રણી સુનિલભાઈએ તંત્રની નીતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જો તંત્ર દ્વારા નદીમાં પાણી છોડવામાં આવતું હોય, તો પછી ખેતી માટેની ઊંડ-૧ કેનાલમાં પાણી કેમ આપવામાં આવતું નથી...? ખેડૂતોનો પાક-પાણી વિના મરી રહ્યો છે ત્યારે કેનાલનું પાણી રોકી રાખવું અન્યાય સમાન છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યાં સુધી ધારાસભ્ય રૂબરૂ ન આવે અને ઊંડ-૧ કેનાલમાં પાણી છોડવાની સત્તાવાર મંજૂરી ન મળે ત્યાં સુધી ખેડૂતો રાત-દિવસ અહીં જ બેસી રહેશે.

જ્યારે બાવડી ગામના ખેડૂત દિનેશભાઈ ધનાભાઈ સોનગરાએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ખેતરોમાં હાલ પાક ઊભો છે અને તેને તાત્કાલિક પાણીની જરૂર છે. જો સૌની યોજનાનું પાણી કેનાલ મારફતે ખેતરો સુધી પહોંચાડવામાં નહીં આવે તો લાખો ‚પિયાનો ખર્ચ કરીને તૈયાર કરેલો મોલ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જશે, જેના કારણે ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ જશે. પોતાની મહેનત બચાવવા માટે ખેડૂતો સવાર સુધી કે આગળના દિવસો સુધી પણ ધરણા ચાલુ રાખવા સંપૂર્ણપણે મક્કમ છે.
​​​​​​​
ખેડૂતો દ્વારા ધારાસભ્યના નિવાસસ્થાનનો ઘેરાવો કરવાની ઘટનાને પગલે વહીવટી તંત્ર દોડતું થયું છે. પરિસ્થિતિ વણસે નહીં અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નિવાસસ્થાન આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. હાલ સ્થળ પર તંગદિલીભર્યો માહોલ છે અને ખેડૂતો પોતાની પાણીની માંગ પર અડગ રહીને શાંતિપૂર્ણ વિરોધ નોંધાવી રહ્યા છે. સરકાર કે સ્થાનિક પ્રતિનિધિ જ્યાં સુધી પાણી અંગે લેખિત કે સત્તાવાર બાંહેધરી નહીં આપે ત્યાં સુધી આ આંદોલન વધુ ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News