જામનગરના હાર્દ સમાન સાત રસ્તા પાસેના એમ.પી.શાહ સર્કલ કચરાનું ડમ્પીંગ પોઇન્ટ બન્યું હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. કારણ કે, આ સર્કલમાં ફરતે સૂકા ઘાસ, ભંગાર પાઇપ અને કચરાના ઢગલાં જોવા મળી રહ્યા હોય શહેરની શાખને બટ્ટો લાગી રહ્યો છે. આટલું જ નહીં સર્કલની ઘણી લાઇટો પણ બંધ હાલત છે. છેલ્લાં ઘણા દીવસોથી સર્કલની આ બદતર હાલત હોવાની ફરિયાદો શહેરીજનોમાં ઉઠી છેે. આટલું જ નહીં આ સર્કલ પાસથી મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓ પણ પસાર થાય છે. આમ છતાં સર્કલની આ દુર્દશાથી અનેક સવાલ ઉઠ્યા છે. શહેરમાં મહાનગરપાલીકા દ્વારા વિકાસકાર્યો થાય તે આવકારદાયક છે પરંતુ જે વિકાસના જે કામ કરવામાં આવ્યા છે તેની જાળવણીમાં ઘોર ઉદાસીનતાથી પાણી ઢોળની સ્થિતિ જોવા મળી રહી છે. બીજી બાજુ શહેરમાં જાહેરમાં કચરો ફેંકનાર અને સ્વચ્છતા ન જાળવનાર આસામીઓને જેમ મનપા દંડ ફટકારી રહી છે તેમ સર્કલની સફાઇની જવાબદારી જેમના શીરે છે તે જવાબદારોને મનપા દંડ ફટકારશે તે સો મણનો સવાલ ઉઠ્યો છે.