જામનગર: વિશ્વ ક્રિકેટના મહાન ઓલરાઉન્ડર સર ગારફિલ્ડ સોબર્સના નિધન પર જામ સાહેબનો શોક સંદેશ
સર ગારફિલ્ડ સોબર્સ વિશ્વ ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર હતા : શત્રુશલ્યસિંહજી જાડેજા
વિશ્વ ક્રિકેટના દિગ્ગજ અને વેસ્ટ ઇન્ડિઝના મહાન ઓલરાઉન્ડર સર ગારફિલ્ડ સોબર્સના અવસાન પર જામનગરના પૂર્વ રાજવી મહારાજા જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
તેમણે પોતાના શોક સંદેશમાં જણાવ્યું છે કે, સર ગારફિલ્ડ સોબર્સના નિધન સાથે વિશ્વ ક્રિકેટે સર્વકાલીન શ્રેષ્ઠ ક્રિકેટરો પૈકીના એક મહાન ખેલાડીને ગુમાવ્યો છે. તેઓ માત્ર મહાન ક્રિકેટર જ નહીં, પરંતુ વિશ્વે જોયેલા સૌથી સંપૂર્ણ અને સર્વાંગી ઓલરાઉન્ડર હતા.
શત્રુશલ્યસિંહજીએ જણાવ્યું કે, સોબર્સ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ રમતના દરેક ક્ષેત્રમાં અસાધારણ પ્રતિભા ધરાવતા હતા. તેઓ ડાબા હાથથી બેટિંગ અને વિવિધ પ્રકારની બોલિંગ કરવામાં નિપુણ હતા. ઝડપી બોલિંગથી લઈને સ્પિન સુધી દરેક પ્રકારની બોલિંગ કરવાની તેમની ક્ષમતા અદ્ભુત હતી. તેઓ ઓપનિંગથી લઈને નીચલા ક્રમ સુધી કોઈપણ સ્થાને બેટિંગ કરી શકતા હતા અને તેમની ઘણી યાદગાર ઇનિંગ્સ છઠ્ઠા ક્રમે રમતાં નોંધાઈ હતી. જરૂર પડે તો તેઓ વિકેટકીપિંગ પણ કરી શકતા હતા.
તેમણે સર ગારફિલ્ડ સોબર્સ સાથે જોડાયેલો એક રસપ્રદ પ્રસંગ પણ યાદ કર્યો. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. તે દરમિયાન એક સવારે તેઓ સ્ક્વોશ રમવા માટે ક્લબ હાઉસમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે સોબર્સને ક્લબ હાઉસમાં આવતા જોયા. ત્યારબાદ તેઓ પોતાના રૂમમાં ગયા, તૈયાર થયા અને મેદાન પર ઉતરી ગયા.
અગાઉની ઇનિંગ્સમાં તેઓ બે રને અણનમ હતા, પરંતુ તે દિવસે આખો દિવસ બેટિંગ કરીને તેમણે શાનદાર બેવડી સદી ફટકારી હતી. આ ઘટના તેમની અસાધારણ પ્રતિભા અને અદ્વિતીય ક્રિકેટિંગ ક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે.
અંતમાં શત્રુશલ્યસિંહજીએ પ્રાર્થના કરી છે કે પરમાત્મા સર ગારફિલ્ડ સોબર્સના દિવ્ય આત્માને શાશ્વત શાંતિ અર્પે અને શક્ય હોય તો તેમને ફરી ક્રિકેટના મેદાનમાં મોકલે, જેથી સમગ્ર ક્રિકેટ જગત ફરી એકવાર તેમની અસાધારણ પ્રતિભાનો લાભ મેળવી શકે.