BREAKING NEWS

જામનગરનું સુપ્રસિદ્ધ કાશી વિશ્ર્વનાથ મહાદેવ મંદિર: શ્રદ્ધા, સ્થાપત્ય અને પરંપરાનો ઇતિહાસ

  • August 15, 2026 06:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરનું સુપ્રસિદ્ધ કાશી વિશ્ર્વનાથ મહાદેવ મંદિર: શ્રદ્ધા, સ્થાપત્ય અને પરંપરાનો ઇતિહાસ

કાશિ વિશ્ર્વનાથ યુવક મંડળ સમસ્ત ખવાસ રજપૂત સમાજ દ્વારા દર શ્રાવણ માસે યોજાતી પાલખી યાત્રામાં જોવા મળતો શ્રધ્ધા ભક્તિનો અનેરો સંગમ

જામનગરને પ્રેમથી છોટી કાશી તરીકે ઓળખવામાં આવે છે. શહેરમાં અનેક પ્રાચીન અને આસ્થાના કેન્દ્ર સમાન શિવાલયો આવેલા છે. આ શિવાલયોમાં કે.વી. રોડ પર આવેલું શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર આગવું સ્થાન ધરાવે છે. વર્ષોથી આ મંદિર જામનગરના ધાર્મિક અને સાંસ્કૃતિક જીવનનો મહત્વનો હિસ્સો બની રહ્યું છે.

જામનગરના ખવાસ જ્ઞાતિના શિવભક્ત કરશનભાઈ દ્વારા મંદિરના શિવલિંગને વારાણસીના કાશી વિશ્વનાથની પરંપરા સાથે શિવલિંગને વારાણસીમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક વિધિથી પૂજન-અર્ચન કરાવી, અખંડ દૂધધારા અને અખંડ જ્યોત સાથે જામનગર લાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અહીં વિધિવત્ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

કાશિ વિશ્વનાથ મંદિરની સૌથી વિશિષ્ટ વિશેષતા તેનું સ્થાપત્ય છે. અહીં બિરાજમાન શિવલિંગના ચારેય દિશામાંથી દર્શન કરી શકાય છે. મંદિરના ચારેય તરફ પ્રવેશદ્વાર હોવાથી ભક્તો વિવિધ દિશાઓમાંથી ભગવાન વિશ્વનાથના દર્શન કરી શકે છે. આ અનોખી રચના મંદિરને અન્ય શિવાલયોથી અલગ ઓળખ આપે છે.

 કાશિ વિશ્વનાથ મંદિરની રચનામાં ચોપાટ જેવી ગોઠવણી અને સ્તંભો પર દેવી-દેવતાઓની કલાત્મક મૂર્તિઓ તેની સ્થાપત્ય સુંદરતામાં વધારો કરે છે.

કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર માત્ર શિવ ઉપાસનાનું કેન્દ્ર નથી, પરંતુ અહીં ભગવાન ગણપતિ, કાળભૈરવ, હનુમાનજી, ચંડભૈરવ અને બટુક ભૈરવ સહિત અન્ય દેવતાઓની પણ આરાધના કરવામાં આવે છે. તેથી મંદિર ભક્તો માટે એક વિશાળ ધાર્મિક પરિસરનું સ્વ‚પ ધરાવે છે.

શ્રાવણ માસ દરમિયાન મંદિરની ભક્તિ અને ધાર્મિક પરંપરા વિશેષ રૂપ ધારણ કરે છે. વહેલી સવારથી જ ભક્તો જળાભિષેક, દુગ્ધાભિષેક, રુદ્રાભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરવા માટે ઉમટી પડે છે. મંદિરને વિવિધ પ્રકારના દિવ્ય શૃંગારથી સજાવવામાં આવે છે અને ભક્તો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લે છે.

વર્ષોથી ચાલતી પરંપરા અનુસાર શ્રાવણ દરમિયાન અહીં ૧૦૮ દીવડાની મહાઆરતીનું પણ આયોજન થાય છે. કેટલાક પ્રસંગોએ સમગ્ર મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં દીવડાઓ પ્રગટાવી ભક્તિમય વાતાવરણ સર્જવામાં આવે છે. શ્રાવણ માસમાં મોડી રાત સુધી ભકતજનો પ્રવાહ કાશિ વિશ્વનાથ મંદિરમાં રહે છે.

જામનગરના ધાર્મિક જીવનમાં કાશી વિશ્વનાથ મહાદેવનું સ્થાન માત્ર એક મંદિર પૂરતું મર્યાદિત નથી. શહેરને છોટી કાશી તરીકે મળેલી ઓળખ પાછળ અહીં આવેલા અનેક શિવાલયોનું મહત્વ છે અને કાશી વિશ્વનાથ મંદિર તેમાંનું એક અગ્રણી સ્થાન છે.

શ્રાવણમાં પુજાની સાથે સાથે શ્રવણ કરવાનો ખુબ મહિમા છે, બીજુ કાંઈ ન થઇ શકે તો કંઇ નહીં તો તમે શિવપુરાણ સાંભળો કે શ્રીમદ ભાગવતજીનું સ્મરણ કરો અથવા કોઇપણ શાસ્ત્ર જો શ્રાવણ માસમાં શ્રવણ કરવામાં આવે તો તેનું અનંતગણુ ફળ મહાદેવજી આપે છે.

નગરજનોની શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે. વારાણસીની કાશી સાથે જોડાયેલી તેની ધાર્મિક પરંપરા, ચારેય દિશામાંથી દર્શન થઈ શકે તેવું અનોખું સ્થાપત્ય, ૭૨ સ્તંભોની રચના અને શ્રાવણ માસની વિશેષ પૂજા-આરતી મંદિરને ઐતિહાસિક તથા ધાર્મિક રીતે વિશિષ્ટ બનાવે છે.


​​​​​​​કાશિ વિશ્વનાથ યુવક મંડળ દ્વારા થતી ભોળાનાથની પાલખી યાત્રા:  
કાશિવિશ્વનાથ મહાદેવ યુવક મંડળ સમસ્ત ખવાસ રજપૂત સમાજ જામનગર દ્વારા તા. ૧૫-૮-૨૦૨૨ શ્રાવણ વદ-૪ના રોજ સૌ પ્રથમ વખત ભવ્ય પાલખીયાત્રા શરૂ કરવામાં આવી હતી જે  દર શ્રાવણ માસે  હર હર મહાદેવના નાદ સાથે નગર ભ્રમણ કરે છે આ પાલખી યાત્રામાં શ્રધ્ધા-ભકતિનો અનેરો સંગમ જોવા મળે છે પાલખીયાત્રામાં પુરુષો અને બહેનોનો ડ્રેસ આકર્ષણનુ કેન્દ્ર હોય છે જેમાં બહોળી સંખ્યામાં શિવભક્તો પરિવારજનો સાથે જોડાઈને ધન્યતા અનુભવે છે. આ શ્રાવણ માસમાં આગામી ૨૪ ઓગષ્ટ બીજા સોમવારે બપોરે ચાર વાગ્યે ખેત્રી ફળી ખવાસ જ્ઞાતિના નાગનાથ ગેઈટથી પ્રસ્થાન કરશે જે રાત્રે ૯-૩૦ વાગ્યે  કાશિ વિશ્વનાથ મંદિરે હર હર મહાદેવના નાદ સાથે વિરામ લેશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application