BREAKING NEWS

જામનગરમાં સગીરાનું અપહરણ કરનાર આસામથી ઝડપાયો

  • October 28, 2026 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં સગીરાનું અપહરણ કરનાર આસામથી ઝડપાયો

મોબાઇલમાં ફ્રી-ફાયર વિડીયો ગેમ્સના માઘ્યમથી સંપર્ક કેળવી...

સીટી-એ પોલીસે જોગીધોપામાંથી શોધી કાઢયો : બાળાને સુરક્ષીત રીતે માતા-પિતાને સોપાઇ
મોબાઇલમાં ફ્રી-ફાયર વિડીયો ગેમ્સના માઘ્યમથી અજાણ્યા શખ્સે સંપર્ક કેળવી ત્યાર બાદ લલચાવી, ફોસલાવી જામનગરના એસટી ડેપોમાંથી સગીરાનું અપહરણ કરી ગયાની ફરીયાદના આધારે સીટી-એ પોલીસે આસામના જોગીધોપા સુધી તપાસ લંબાવીને આરોપીને ઝડપી લીધો છે, સગીરાને શોધી કાઢી સુરક્ષીત રીતે માતા-પિતાને સોપવામાં આવી છે, બીજી બાજુ પકડાયેલ આરોપી સામે જુદી જુદી કલમો મુજબ ગુનો દાખલ કરીને તપાસ લંબાવવામાં આવી છે. 

ગત તા. ૮-૧૦-૨૬ સાંજના પોણા પાંચ વાગ્યાના સુમારે જામનગરના એસટી બસ સ્ટેન્ડ ખાતેથી ફરીયાદીની સગીર વયની પુત્રીનું કોઇ અજાણ્યા ઇસમે લલચાવી ફોસલાવીને વાલીપણામાંથી અપહરણ કરીને લઇ ગયેલ હોય એ મતલબની ફરીયાદ સીટી-એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી હતી.

રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની તથા ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા દ્વારા ગુનાની તપાસ અંગે સુચના અને માર્ગદર્શન આપતા સીટી-એ ડીવીઝન પીઆઇ વી.એમ. ડોડીયાની રાહબરી હેઠળ અલગ અલગ ટીમો બનાવીને સીસીટીવી ફુટેજની ચકાસણી કરી તપાસ લંબાવી હતી.
​​​​​​​
તપાસ દરમ્યાન હયુમન સોર્સ અને ટેકનીકલ એનાલીસીસ કરતા જાણવા મળેલ કે સગીર વયની બાળા મોબાઇલ ફોનમાં ફ્રી-ફાયર વિડીયો ગેમ રમતી હોય અને તેમાં અજાણ્યા ઇસમે તેની આઇડી બનાવી પહેલા સગીર બાળા સાથે ગેમ રમી બાદમાં તે ગેમથી તેણી સાથે મેસેજથી વાતચીત કરી, સગીરાનો મોબાઇલ નંબર મેળવી તેની સાથે ફોનથી સંપર્ક સાઘ્યો હતો, દરમ્યાન બાળાને અલગ અલગ રીતે લલચાવી ફોસલાવી વાલીપણામાંથી અપહરણ કરી ગયો હતો.

હાલ બાળા આસામ રાજયના બોન્ગાઇગાવ જીલ્લાના જોગીધોપા ગામે હોવાનું જાણવા મળ્યુ હતું, આથી પીઆઇના માર્ગદર્શન હેઠળ તુરંત પીએસઆઇ વી.આર. જોરીયા, એએસઆઇ રવિરાજસિંહ જાડેજા, કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા અને ભગીરથસિંહ જાડેજાની ટીમ બનાવી તેઓને આસામ રાજય ખાતે સગીરાની તપાસ કરવા મોકલવામાં આવી હતી.

જામનગરની ટીમ આસામ રાજયમાં બતાવેલ લોકેશન મુજબ પહોચી હતી અને તપાસ હાથ ધરી હતી, ત્યાં બાળાને આરોપી પ્રદ્યુત કાર્તિક ચૌધરી આસામીયા (ઉ.વ.૨૪) રહે. જોગીધોપા, આસામ રાજય સાથે શોધી કાઢવામાં આવી હતી. અને આરોપીના કબ્જામાંથી બાળાને મુકત કરાવી તેણીના માતા-પિતાને સુરક્ષીત રીતે સોપવામાં આવેલ જયારે આરોપી પ્રદ્યુતને અટકમાં લઇ તેની વિરુઘ્ધમાં ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની અને પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફોર્મ સેકસયુએલ ઓફેન્સ એકટ ૨૦૧૨ની અલગ અલગ કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application