જામનગર: ફાચરિયા ગામે સ્ટ્રીટલાઇટ ચાલુ કરવા મુદ્દે કાકા પર છરીથી હુમલો
મારી નાખવાની ધમકી આપતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ
જામનગર તાલુકાના ફાચરિયા ગામમાં સ્ટ્રીટલાઇટ ચાલુ કરવા જેવી નજીવી બાબતે કૌટુંબિક ભત્રીજાએ વૃદ્ધ કાકા સાથે બોલાચાલી કરી છરી વડે હુમલો કરતાં ચકચાર મચી છે. વૃદ્ધને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને છ ટાંકા આવ્યા હતા.
ફાચરિયા ગામમાં રામદેવપીરના મંદિર પાસે રહેતા અને ખેતીકામ કરતા ધીરજભાઈ જીવરાજભાઈ દરગાણી (ઉં.વ.૬૨)એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તા.૮ ઓગસ્ટના રાત્રિના નવેક વાગ્યાના અરસામાં તેઓ જમ્યા બાદ પોતાના ઘરની બાજુમાં આવેલા રામદેવપીરના મંદિરે બેઠા હતા. મંદિરની બાજુની સ્ટ્રીટલાઇટ બંધ હોવાથી તેમણે લાઇટ ચાલુ કરી હતી.
દરમિયાન તેમના કૌટુંબિક ભત્રીજા વલ્લભ રવજીભાઈ દરગાણી ત્યાં આવ્યા હતા અને લાઇટ કોણે ચાલુ કરી તે અંગે પૂછ્યું હતું. ધીરજભાઈએ પોતે લાઇટ ચાલુ કરી હોવાનું જણાવતાં વલ્લભ ઉશ્કેરાઈ ગયો હતો અને લાઇટ કેમ ચાલુ કરી તે બાબતે બોલાચાલી કરી હતી. બાદમાં વલ્લભે પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી ધીરજભાઈની છાતીના જમણા ભાગે એક ઘા ઝીંકી દીધો હતો. અને મારી નાખવાની ધમકી દઇ આરોપી નાશી ગયો હતો.
દરમ્યાનમાં ૧૦૮ને જાણ કરતાં એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તને સારવાર માટે જી.જી. હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા.આ મામલે ધીરજભાઈ દરગાણીએ વલ્લભ રવજીભાઈ દરગાણી વિરુદ્ધ પંચ-એમાં ફરિયાદ નોંધાવી છે.