BREAKING NEWS

અમદાવાદમાં પણ સુરતની જેમ વેપારીઓને સહાય ચુકવાશે, કેબિનેટની બેઠકમાં સરકારે લીધો મહત્વનો નિર્ણય

  • July 28, 2026 06:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યમાં ભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિ, થયેલા નુકસાન અને રાહત-બચાવ કામગીરી અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. કેબિનેટ બેઠકની શરૂઆતમાં વરસાદને કારણે રાજ્યમાં થયેલા માનવ અને પશુ મૃત્યુ અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરાઈ હતી.


ભારે વરસાદ અને પૂરના કારણે આર્થિક નુકસાન ભોગવનાર વેપારીઓને પુનઃ બેઠા કરવા માટે એક મહત્વપૂર્ણ રાહત યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ પૂરગ્રસ્ત વેપારીઓને ૭% ના રાહત દરે ૩ વર્ષની મુદત માટે લોન અને વ્યાજ સહાય પૂરી પાડવામાં આવશે. વેપારીઓના ટર્નઓવરની ગણતરી GSTના આધારે કરવામાં આવશે, જેના આધારે લોન અને વ્યાજ સહાયની રકમ નક્કી થશે.

યોજનાની વિગતો મુજબ, ₹૭ લાખ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને ₹૨૦ લાખ સુધીની લોન અને ₹૫ લાખ સુધીની વ્યાજ સહાય આપવામાં આવશે. જ્યારે ₹૭.૫ લાખ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ ₹૨૫ લાખ સુધીની લોન અને ₹૮ લાખ સુધીની વ્યાજ સહાય મેળવવા પાત્ર રહેશે. આ ઉપરાંત, ₹૭.૫ લાખથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓને ₹૩૦ લાખ સુધીની લોન અને ₹૧૦ લાખ સુધીની મહત્તમ વ્યાજ સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનાથી પૂર પ્રભાવિત વેપારીઓને પોતાના ધંધા-રોજગાર ફરી ધમધમતા કરવામાં મોટી આર્થિક મદદ મળી રહેશે.


રાજ્યમાં ભારે વરસાદના પરિણામે ખેતી ક્ષેત્રે થયેલા વ્યાપક નુકસાનને ધ્યાને રાખીને, બેઠકમાં પાક નુકસાનીના સર્વે અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ સંબંધિત તંત્ર અને કૃષિ વિભાગને નુકસાનીનો પ્રાથમિક અંદાજ વહેલી તકે મેળવવા કડક સૂચનાઓ આપી છે. ભારતીય કિસાન સંઘના પત્ર અને ખેડૂતોની રજૂઆતો અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટ કર્યું હતું કે જરૂરિયાત મુજબ રાજ્ય સરકાર ખેડૂતોના હિતમાં તમામ જરૂરી પગલાં અને કાર્યવાહી કરશે.


વરસાદથી માત્ર ગ્રામીણ વિસ્તારો જ નહીં પરંતુ શહેરી વેપારીઓને પણ મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. ખાસ કરીને અમદાવાદમાં થયેલા ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને કેબિનેટે વેપારીઓને સુરત મોડેલની જેમ સહાય આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ માટે તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરવામાં આવશે. મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે આ નિર્ણય માત્ર અમદાવાદ પૂરતો મર્યાદિત નથી, પરંતુ રાજ્યમાં જ્યાં પણ વરસાદથી વેપારીઓને નુકસાન થયું છે ત્યાં તબક્કાવાર જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે.


બેઠકમાં રાજ્યમાં વીજ પુરવઠાની સ્થિતિ અંગેનો અહેવાલ રજૂ કરતા વીજ વિભાગના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વરસાદથી પ્રભાવિત ૧,૯૯૭ ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી દેવાયો છે. આ કામગીરી દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફીલ્ડમાં જીવના જોખમે ફરજ બજાવતા વીજ કર્મચારીઓની સુરક્ષા પ્રત્યે વિશેષ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ચીફ સેક્રેટરીને તાકીદની સૂચના આપી હતી કે વીજ કર્મચારીઓ તેમજ અન્ય તમામ ફીલ્ડ સ્ટાફને જરૂરી સેફ્ટી સાધનો પૂરા પાડીને જ કામગીરી કરાવવામાં આવે.


અતિભારે વરસાદ અને ઓવરટોપિંગના કારણે વારંવાર રસ્તાઓ તૂટી જવાની કાયમી સમસ્યાના ઉકેલ માટે કેબિનેટે દૂરંદેશીપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી મહાનગરપાલિકા, નગરપાલિકા, ગામતળના પાણી ભરાતા વિસ્તારો તેમજ ઔદ્યોગિક વિસ્તારોના આંતરિક રસ્તાઓને તબક્કાવાર સિમેન્ટ-કોંક્રિટ (CC) રોડમાં ફેરવવામાં આવશે, જેથી ભવિષ્યમાં રસ્તા ધોવાઈ જવાની સમસ્યામાંથી મુક્તિ મળે. આ ઉપરાંત, EWSની આવક મર્યાદા વધારવા જેવા મુદ્દાઓ પર મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર સમયાંતરે વિવિધ વિષયો પર વિચારણા કરતી હોય છે અને આખરી નિર્ણય લેવાયા બાદ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application