જામનગરના રહીશ પ્રજ્ઞાબેન વિમલભાઈ ગઢવી દ્વારા તા. ૦૬/૧૨/૨૦૨૫ ના રોજ બ્લીન્ક કોમર્સ પ્રા. લી. (બ્લીન્કીટ) માંથી ઘર સામાનની ખરીદી કરવામાં આવેલ. જે સંબંધે બીલના રૂ. ૫૩૦/ચુકવવામાં આવેલ. આ ઘર સામાનની ખરીદીમાં પ્રજ્ઞાબેન દ્વારા પોતાના બાળકો માટે દુધની પાંચ બોટલનો ઓર્ડર પણ આપવામાં આવેલ હતો. જે દુધની બોટલ સામાવાળા બ્લીન્કીટ દ્વારા મોકલવામાં આવતા. આ દુધ બાળકોને પીવા માટે આપતા પહેલા પ્રજ્ઞાબેન દ્વારા દુધની ઉત્પાદકીય તારીખ ચેક કરવામાં આવતા તા. ૦૬/૧૦/૨૦૨૫ ઉત્પાદન કરવામાં આવેલ અને તા. ૧૫/૧૧/૨૦૨૫ એકસપાયર તારીખ હતી. એટલે કે, આ દુધ તા. ૦૬/૧૨/૨૦૨૫ ના રોજ ફરિયાદીને સામાવાળા દ્વારા મોકલવામાં આવેલ તે પહેલા ૨૧ દિવસ અગાઉ આ દુધ એકસપાયર થઇ ગયેલ હતું. છતાંપણ સામાવાળા દ્વારા આ દુધને વેચાણમાં રાખી તેનું વેચાણ કરવામાં આવેલ.
જેથી પ્રજ્ઞાબેન દ્વારા તાત્કાલિક સામાવાળા બ્લીન્કીટ કંપનીને જાણ કરવામાં આવેલ. જે બાદ અનેક વખત આ સંબંધે ઈ-મેઈલ કરેલ. તેમ છતાં સામાવાળા કંપની દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવેલ નહી. જેથી પ્રજ્ઞાબેન દ્વારા તેમના વકીલ મારફત જામનગર ગ્રાહક તકરાર નિવારણ કમીશન સમક્ષ ફરીયાદ દાખલ કરવામાં આવેલ. આ ફરિયાદ ચાલી જતા ફરીયાદી તરફે વકીલની વિસ્તૃત દલીલો તથા સામાવાળા કંપની તરફે લેવામાં આવેલ ખોટા બચાવોને ધ્યાનમાં ન લેવાય તેવી દલીલો કરવામાં આવતા કમીશન દ્વારા તેમના ચુકાદામાં જણાવેલ કે સામાવાળાએ ફરીયાદીને વેચાણ કરેલ ઉપરોક્ત પાંચ દુધની બોટલ સંબંધે અયોગ્ય વેચાણ નીતી દાખવેલ છે. તેમજ હલકી ગુણવતાવાળો માલ વેચાણ કરેલ છે.
આથી, ફરીયાદીને તેના આરોગ્ય જોખમાય તે રીતે માલનો વેચાણ કરવામાં આવેલ હોય અને ફરીયાદીને તેમના બાળકો સંબંધે માનશીક યાતના અને દુ:ખ તથા પરીતાપ સહન કરવાને સામાવાળા દ્વારા વેચાણ કરવામાં આવેલ દુધ અંગે ન માનવાને કોઈ કારણ નથી. જેથી સામાવાળાને હુકમ છે કે ફરીયાદીને માનશીક દુ:ખ-ત્રાસ તથા પરીતાપ પેટે વળતર રૂ. ૧,૦૦,૦૦૦/- ચુકાદાની તારીખથી બે માસમાં ચૂકવી આપવા તથા રૂ. ૧૦,૦૦૦/- ફરિયાદ ખર્ચના ચૂકવી આપવા તેવો આદેશ કરવામાં આવેલ છે. ફરીયાદી તરફે વકીલ વસંત ડી. ગોરી, દીપક એચ. નાનાણી તથા નેહલ બી. સંચાણીયા રોકાયેલા હતા.