જામનગરના શ્રાવણી લોકમેળામાં ૪૫૦થી વધુ બાળકોને મનોરંજનની રાઈડ્સની મોજ
અનાથ, દિવ્યાંગ તથા વિવિધ સંસ્થાના બાળકો માટે મેળા સંચાલકો અને સામાજિક કાર્યકરોનું વિશેષ આયોજન
નગરના મેયર સહિતના મહાનુભાવોએ બાળકો સાથે રાઈડ્સનો આનંદ લઇ ભોજન પીરશી સર્વેની ખુશીમાં જોડાયા
જામનગરના પ્રદર્શન મેદાનમાં યોજાયેલા શ્રાવણી લોકમેળામાં શહેર તથા આસપાસના વિસ્તારમાં અભ્યાસ કરતા અનાથ, દિવ્યાંગ તેમજ વિવિધ સંસ્થાઓ અને છાત્રાલયોમાં રહેતા ૪૫૦થી વધુ બાળકોને મેળાની રાઈડ્સનો નિઃશુલ્ક આનંદ માણવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
શ્રાવણી લોકમેળાના સંચાલકો સબ્બીરભાઈ અખાણી, યુનુસભાઈ શાહમદાર, નીલેશભાઈ મંગે, તથા અન્ય આયોજનકોની ટીમના સહયોગ સાથે સામાજિક કાર્યકર પ્રદીપસિંહ વાળા, સંજય જાની તથા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ભાવિનભાઈ ભોજાણીના સંયુક્ત પ્રયાસોથી વિવિધ સંસ્થાઓના બાળકોને ખાનગી બસ તેમજ અન્ય વાહનો મારફતે પ્રદર્શન મેદાન ખાતે લાવવામાં આવ્યા હતા.
તમામ બાળકો પોતાની સંસ્થા અને શાળાના ગણવેશમાં મેળામાં પહોંચતા પ્રદર્શન મેદાનમાં એક અલગ જ માહોલ સર્જાયો હતો. બાળકોને નાની-મોટી તમામ રાઈડ્સનો આનંદ મળી રહે તે માટે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી. વિવિધ રાઈડ્સમાં બેસીને બાળકોએ ભારે ઉત્સાહ સાથે આનંદ વ્યક્ત કર્યો હતો.
બાળકોને પ્રોત્સાહિત કરવા જામનગરના પ્રથમ નાગરિક મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, પૂર્વ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, શહેર મહામંત્રી ભાવેશભાઈ કાનાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, શાસકપક્ષના નેતા અમરભાઈ મોદી, દંડક પ્રવિણાબેન રૂપડિયા, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન હર્ષાબા જાડેજા, કોર્પોરેટર આશીશભાઈ જોશી,જશુબા ઝાલા, હેતલબેન અમેથીયા સહિતના કોર્પોરેટરો અને હોદ્દેદારો, સામાજિક કાર્યકર ગીરીશભાઈ અમેથીયા ડિમ્પલબેન મહેતા, પ્રવિણસિંહ જાડેજા નરવિંણસિંહ વાળા, બાળ કલ્યાણ સમિતિના સભ્ય નિશાંતભાઈ અગારા, હર્ષાબેન રાજગોર, ગીતાબેન નકુમ સહિતના અન્ય સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ બાળકો સાથે સમય વિતાવી તેમની ખુશીમાં સહભાગી બની આનંદ વ્યક્ત કર્યો હતો.
જામનગરના આણદાબાવા અનાથાલય ફોર ગર્લ્સ ની બાળાઓ, અને બાળકો, સ્પેશિયલ એડોપશન એજન્સી ના બાળકો સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, સાધના કોલોનીના બાળકો આ ઉપરાંત નાલંદા આશ્રમશાળા, સંસ્થા ઓમ ટ્રેનિંગ સેન્ટર તથા ચિલ્ડ્રન હોમ સહિતના ૪૫૦ થી વધુ બાળકોએ મેળાનું મનોરંજન માણ્યું હતું.
રાઈડ્સનો આનંદ માણ્યા બાદ તમામ બાળકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. મેયર મોનિકાબેન વ્યાસ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી બાળકોને પોતાના હાથે ભોજન પીરસ્યું હતું. મેળાની મહેમાનગતિ સાથે સેવાભાવી અભિગમના આ આયોજનથી બાળકોમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી.