જામનગરમાં ૨૭ વર્ષ જૂના નિયમોથી ચાલતું મનપાનું જનરલ બોર્ડ
અહો આશ્ર્ચર્યમ: જરૂરી તમામ નીતિ વિષયક નિર્ણય લેવામાં આવતા હોવા છતાં બે મહીને એક વખત સામાન્ય સભા મળતા શહેરનો રૂંધાતો વિકાસ
શહેરી ગૃહ નિર્માણ વિભાગના વર્ષ-૧૯૯૯ના ઠરાવથી સભા સંચાલનના નકકી કરાયેલા નિયમોમાં કોઇ મહત્વના ફેરફાર ન કરાતા અનેક સવાલ
જામનગર મહાનગરપાલીકાનો અર્થ કોઇ અધિકારીઓ થતો નથી. પરંતુ સમગ્ર જનરલ બોર્ડ થાય છે. કારણ કે, તમામ નીતિ વિષયક નિર્ણય મનપાની સામાન્ય સભામાં લેવામાં આવે છે. પરંતુ રાજયના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા.૫-૩-૧૯૯૯ના ઠરાવથી એટલે કે ૨૭ વર્ષ પહેલાના ઠરાવથી સભા સંચાલન જે નિયમો નકકી કરવામાં આવ્યા છે તેમાં આજ દીન સુધી એક સિવાય કોઇ મહત્વના ફેરફાર કરવામાં આવ્યા નથી. જનરલ બોર્ડમાં તમામ નીતિ વિષયક નિર્ણય લેવામાં આવતા હોવા છતાં બે મહીને એક વખત મળતા શહેરનો વિકાસ રૂંધાઇ રહ્યો છે. આથી દર મહીને એક વખત સામાન્ય સભા મળે તો તંદુરસ્ત ચર્ચા અને પ્રશ્ર્નોતરી થાય તો શહેરનો વિકાસ ઝડપથી થાય અને શહેરીજનોના પ્રશ્ર્નો પણ ઉકેલાય તેમાં બેમત નથી.
જામનગર મહાનગરપાલીકા સંબધિત તમામ નીતિ વિષયક નિર્ણયો જનરલ બોર્ડમાં લેવામાં આવે છે. અગાઉ મનપાની સામાન્ય સભા દર મહીને એક વખત મળતી હતી. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી મહાનગરપાલીકાની સામાન્ય સભા દર બે મહીને એક વખત મળે છે. સામાન્ય સભામાં શહેરના વિકાસને લગતા એજન્ડાની સંખ્યા ઓછી રહે છે. શહેરના વિકાસ માટે જનરલ બોર્ડમાં તંદુરસ્ત ચર્ચા અને પ્રશ્ર્નોતરી થાય તે જરૂરી છે. થોડા વર્ષો પહેલા દર મહીને એક વખત મનપાની સામાન્ય સભા મળતી હતી. પરંતુ ફકત આ એક નિયમમાં ફેરફાર છએક વર્ષથી બે મહીને એક વખત સામાન્ય સભા મળે છે. પરંતુ આવડા મોટા શહેરના વિકાસ માટે અને પ્રશ્ર્નોના ઉકેલ માટે મહીનામાં દર મહીને એક વખત સામાન્ય સભા બોલાવવી એ જરૂરી બન્યું છે. વળી, સામાન્ય સભા મળવાની હોય તેના સપ્તાહ પહેલા સભ્યો લેખિતમાં પ્રશ્ર્નો પૂછે છે. જેના જવાબમાં સભામાં જ સહી-સિકકા સાથે લેખીતમાં આ૫ી દેવા જોઇએ. પરંતુ ઘણા કિસ્સામાં આ જવાબ આખરી ઘડીએ અથવા તો પાછળથી આપવામાં આવતા હોવાની ફરિયાદો સભ્યો સામાન્ય સભામાં કરે છે. અમુક કિસ્સામાં જવાબ અધૂરા હોય તો તેના પર ચર્ચા થઇ શકતી નથી.
મનપાની સામાન્ય સભાના આયોજન પાછળ ખર્ચ થાય છે. સામાન્ય સભાના નિયમ મુજબ કમિશ્ર્નર અને સંબધિત અધિકારીઓએ સભ્યોના પ્રશ્ર્નોના જવાબ આપવાના હોય છે. એજન્ડા પર મેયરે સ્પષ્ટીકરણ અને જવાબ આપવાના હોય છે. પરંતુ નવાઇની વાત એ છે કે, મોટાભાગના નગરસેવકો જનરલ બોર્ડમાં પ્રશ્ર્નો પૂછતા નથી.બીજી બાજુ મનપાની સામાન્ય સભામાં અમુક નિર્ણયોમાં તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપની સ્થિતિ જોવા મળતી હોય છે. સોમવારે મળેલી મનપાની સામાન્ય સભામાં પબ્લીક વર્કસ કમીટી, વોટર વર્કસ કમીટી, સેનીટેશન કમીટી, લાઇટ કમીટી, શહેરી ગરીબી સમાજ કલ્યાણ કમીટી,સ્લમ અપગ્રેડેશન કમીટી, રમત ગમત અને સાંસ્કૃતિક કમીટી, ટાઉન પ્લાનીંગ અને માર્કેટીંગ કમીટી, આરોગ્ય અને ગાર્ડન કમીટી,ડ્રેનેજ કમીટી, વાહન કમીટી,પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને માઘ્યમિક કમીટી, લીગલ કમીટીના સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે. દરેક કમીટીમાં ૭ સભ્યોનો સમાવેશ કરાયો છે અને રૂ.૧૫ લાખની નાણાંકીય સતા આપવામાં આવી છે. જે મંજૂરી અર્થે રાજય સરકારમાં મોકલવામાં આવશે. ત્યારે આ દરેક કમીટીમાં કોણ ચેરમેન બનશે તેના પર સૌની મીટ મંડાઇ છે.