જામનગરમાં મર્ડર મિસ્ટ્રીમાં આરોપી પત્ની સહિત ત્રિપુટી જેલ હવાલે
બે વર્ષ પુર્વેના હત્યા કાંડમાં મજબુત પુરાવા એકત્ર કરતી પોલીસ: ત્રણેયની મોબાઇલ ડીટેઇલ્સ અને એફએસએલની તપાસ
જામનગરમાં આશરે બે વર્ષ પહેલાં ગુમ થયેલા યુવાનની હત્યાના ચકચારી કેસમાં પોલીસે ઝડપેલા ત્રણેય આરોપીઓને ચાર દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. અદાલતે ત્રણેય આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપતાં તેઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ ચકચારી હત્યા કાંડમાં મજબુત પુરાવા એકત્ર કરવા સધન તપાસ કરવામાં આવી રહી છે ત્રણેયની મોબાઇલ ડીટેઇલ્સની ફોરેન્સીક તપાસ ઉપરાંત જોખમી સાઇનાઇડ આપનારનું સાક્ષી તરીકે નિવેદન લેવાશે તેમ જાણવા મળયુ છે.
જામનગરમાં આશરે બે વર્ષ પુવે યુવાનની હત્યા કરીને ૧૨ ફુટ ઉંડા ખાડામાં દરેડ જીઆઇડીસી વિસ્તારમાં કારખાનામાં દાંટી દીધાની મર્ડર મિસ્ટ્રી પરથી પોલીસે પડદો ઉચકયા બાદ આ પ્રકરણમાં આરોપી પત્ની, પ્રેમી અને સાગરીતની ધરપકડ કરીને ચાર દિવસના રીમાન્ડ પર લીધા હતા અને તપાસ ચલાવાવમાં આવી હતી.
દરમ્યાનમાં આ કેસમાં મૃતકની પત્ની પૃથ્વીબેન ઉર્ફે ભૂમિબેન, તેના પ્રેમી નિલેશ મનસુખભાઈ કછટીયા તેમજ અન્ય એક સાગરીત બલવીર દેવીરામ વર્મા સામે યુવાનની પૂર્વયોજિત રીતે હત્યા કરવાનો આરોપ છે. પોલીસ તપાસ મુજબ આરોપીઓ જીગ્નેશ માવદીયા નામના યુવાનને દારૂમાં સાયનાઈડ ભેળવી પીવડાવ્યું હતું, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ મૃતદેહને એક ફેક્ટરીના પરિસર માં દાટી દેવામાં આવ્યો હતો અને ગુનાના પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવા માં આવ્યો હતો.
આ સમગ્ર બનાવનો ભેદ બહાર આવ્યા બાદ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન મહત્વની પૂછપરછ અને પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા અદાલતે તેને જેલમાં મોકલી આપવા હુકમ કર્યો છે.
એવી પણ સુત્રોમાંથી વિગતો મળી છે કે મૃતક પતિના મોબાઇલના સોશ્યલ મિડિયાનો આરોપી પત્ની ઉપયોગ કરતી અને રીલ બનાવી હતી બીજી બાજુ પોલીસે ત્રણેયની મોબાઇલ ડીટેલ્સ કઢાવીને સધન તપાસ લંબાવી છે. ઉપરાંત જોખમી સાઇનાઇડ આપનારનું નિવેદન લેવા સહિતની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.