BREAKING NEWS

દ્વારકા જિલ્લાના સર્વાંગી વિકાસ, ખેડૂત હિત અને લોક-સુવિધા માટે રાજ્યસભા સાંસદની રજૂઆત

  • September 11, 2026 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા જિલ્લાના સર્વાંગી વિકાસ, ખેડૂત હિત અને લોક-સુવિધા માટે રાજ્યસભા સાંસદની રજૂઆત

રેલ્વેમંત્રી, ઉર્જામંત્રી, કૃષિમંત્રી તેમજ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર પાઠવી જીતેન્દ્ર કણજારીયા દ્વારા રજુઆત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિકાસને નવી ગતિ આપવા, માળખાગત સુવિધાઓ સુદ્રઢ કરવા તેમજ ખેડૂતો અને સ્થાનિક પ્રજાજનોના લાંબા સમયથી પેન્ડિંગ પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કણજારીયા દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ મંત્રાલયો સમક્ષ વિસ્તૃત અને મહત્વપૂર્ણ રજૂઆતો કરવામાં આવી છે. રેલવે કનેક્ટિવિટી, વીજ વ્યવસ્થા, સિંચાઈ અને જળસંચય, ઉચ્ચ શિક્ષણ, પશુપાલન, ગ્રામીણ રસ્તા તેમજ કૃષિ સબસીડી સંબંધિત વિવિધ પડકારો અંગે તેમણે રેલવે મંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી, ઉર્જા મંત્રી તેમજ કૃષિ મંત્રીને પત્રો પાઠવી લોકહિતના નિર્ણયો લેવા ભારપૂર્વક અનુરોધ કર્યો છે.  

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને સંબોધેલા પત્રોમાં સાંસદએ જણાવ્યું છે કે ઓખાથી અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ જિલ્લાના મુખ્ય મથક અને સૌથી મોટા વ્યાપારી કેન્દ્ર એવા ખંભાળિયા ખાતે આપવામાં આવે, જેથી સ્થાનિક પ્રજા, વેપારીઓ અને મુસાફરોને આ આધુનિક સેવાનો લાભ મળી શકે. આ સાથે યાત્રાધામ દ્વારકા, સુદામાપુરી પોરબંદર અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથને જોડતી નવી રેલવે લાઇનને સત્વરે મંજૂરી આપી ટ્રેન વ્યવહાર શરૂ કરવા માંગ કરી છે, જેનાથી દેશભરમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓને પરિવહનની સુવિધા મળશે અને પ્રવાસન તેમજ સાંસ્કૃતિક વિકાસને બળ મળશે.  

રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને રજૂઆત કરતા સાંસદએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લો અલગ થયે ૧૩ વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પીજીવીસીએલનું વિભાજન થયું નથી. હાલ જામનગર સર્કલ ખૂબ મોટો વિસ્તાર ધરાવતું હોવાથી દ્વારકા જિલ્લાના છેવાડાના ખેડૂતો અને નાગરિકોને નાના-મોટા કામ માટે જામનગર સુધી લાંબા થવું પડે છે, જેથી સમય અને નાણાંનો વ્યય અટકાવવા ખંભાળિયા ખાતે તાત્કાલિક અલગ પીજીવીસીએલ સર્કલ ઓફિસ શરૂ કરવી જરૂરી છે.  

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ જિલ્લાના પાયાના પ્રશ્નો મુકતા તેમણે રજૂઆત કરી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લો કુદરતી વરસાદી સિસ્ટમમાં આવતો ન હોવાથી અને કોઈ મોટી સિંચાઈ યોજના ઉપલબ્ધ ન હોવાથી કાયમી જળસંકટ રહે છે. આ સ્થિતિ નિવારવા એક વર્ષનું વિશેષ અભિયાન ચલાવી જિલ્લાના તમામ ડેમો, નદીના પટ, વેણો અને મોટા તળાવો ઊંડા ઉતારવા ખાસ ભૌગોલિક સર્વે કરાવી વિશેષ બજેટ ફાળવવામાં આવે.
​​​​​​​
​​​​​​​આ ઉપરાંત, જિલ્લાના યુવાનોને ઘરઆંગણે ટેકનિકલ શિક્ષણ મળી રહે અને નજીકની રિફાઇનરીઓ તથા ઉદ્યોગોમાં સ્થાનિક રોજગારી મળી શકે તે માટે સરકારી પોલિટેકનિક કોલેજ શરૂ કરવા તેમજ પશુપાલકો અને ખેડૂતોની આર્થિક સદ્ધરતા માટે ખાસ પેકેજ સાથે દૂધ ડેરી સ્થાપવા માંગણી કરી છે. તેમજ ખંભાળિયાના રામનગર ગામે આવેલ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ તરફ જતા જુના રાજમાર્ગનું કામ છેલ્લા બે વર્ષથી અધૂરું છોડી દેવાયું હોવાથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને ખેડૂતોને પડતી અકસ્માતની ભીતિ ધ્યાને લઈ રસ્તાનું કામ તાત્કાલિક પૂર્ણ કરાવવા વિનંતી કરી છે.  

ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને પાઠવેલા પત્રમાં સાંસદએ ખેડૂતોના ગંભીર પ્રશ્નો તરફ ધ્યાન દોર્યું છે. ખાસ કરીને સ્પ્રિન્કલર સિંચાઈ પદ્ધતિ સહિતના કૃષિ સાધનો માટે જીજીઆરસી મારફતે મળતી સબસીડી ખેડૂતોના ખાતામાં જમા થવામાં એક-એક વર્ષ જેટલો અસહ્ય વિલંબ થાય છે, જેથી સમગ્ર પ્રક્રિયા ઝડપી બનાવી સમયસર ચુકવણી સુનિશ્ચિત કરવા અને વિલંબ માટે જવાબદારી નક્કી કરવા જણાવ્યું છે. વધુમાં, બાયો-ફર્ટિલાઇઝરના વેચાણમાં સરકારી કંપનીઓના જાણીતા બ્રાન્ડ નામ જેવા કે ’સરદાર’ અને ’નર્મદા’ના થતા અનધિકૃત ઉપયોગ સામે કડક કાનૂની તપાસ અને કાર્યવાહી હાથ ધરવા તેમજ સમગ્ર રાજ્યમાં એકસરખા ઈનપુટ્સને બદલે વિસ્તારની વાસ્તવિક ખેતી જરૂરિયાત અને પાક પદ્ધતિ મુજબ સબસીડીમાં પ્રાધાન્ય તથા ક્વોટા ફાળવવા ભારપૂર્વક રજૂઆત કરી છે.

આમ, કેન્દ્ર અને રાજ્ય સ્તરે કરાયેલી આ શ્રેણીબદ્ધ રજૂઆતોથી સમગ્ર જિલ્લાના સર્વાંગી વિકાસ અને લોકહિતના કાર્યોને મોટો વેગ મળશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application