દેવભૂમિ દ્વારકા: બેટ દ્વારકામાં પોલીસની ‘એકને ગોળ ને એકને ખોળ’ની નીતિ: સરકારી નિયમોના ધજાગરા
પત્રકારો અને યાત્રિકોને હનુમાન દાંડી તરફના રોડ પર ગાડી લઈ જવા માટે પ્રતિબંધ
યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં ખાખીને લજાવતો કિસ્સો હાલ ચર્ચાસ્પદ બન્યો છે. દેવભૂમિ દ્વારકાના તીર્થસ્થાન બેટ-દ્વારકામાં ખાખીવર્દી દાદાગીરી કરતી હોય તેવા આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવ્યા છે. સુદર્શન બ્રીજ બન્યા બાદ વાહનોને બેટ-દ્વારકા સુધી જવા મળે છે, પરંતુ ટ્રાફીકના કારણે બેટ-દ્વારકા જતા રોડના ખુણા પર જ વાહનોની અટકાવી પાર્કીંગમાં મુકાવી દેવામાં આવે છે. પરંતુ આ નિયમ માત્ર સામાન્ય માણસો માટે જ છે. વીઆઇપી લોકો તેમજ વગ ધરાવતા લોકો માટે બેટ-દ્વારકા મંદિર સુધી વાહન લઇ જવાની છૂટ હોય છે. હાલ સરકાર દ્વારા ર૦ કરોડથી વધુના ખર્ચે હનુમાન દાંડી જવા માટેનો રોડ બનાવવામાં આવ્યો છે તે રોડ માત્ર વીઆઇપી માટે જ પોલીસ દ્વારા હનુમાનદાડી જવા માટે વાહન અંદર લઇ જવાની પ્રતિબંધ જાહેર કરાયો છે. પરંતુ સરકાર દ્વારા કોઇપણ આ પ્રકારના નિયમો જાહેર કરાયા નથી.
સુદર્શન બ્રિજનું નિર્માણ થયા બાદ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર બનેલા બેટ દ્વારકામાં હાલ પોલીસ તંત્રની ગંભીર અને શંકાસ્પદ લાલિયાવાડી સામે આવી રહી છે. સરકાર દ્વારા બેટ દ્વારકા જવા માટે તમામ નાગરિકો માટે એક સમાન નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જેમાં વાહન પાર્કિંગમાં મૂકીને ત્યાંથી રિક્ષા મારફતે આગળ જવાનું નક્કી કરાયું છે. પરંતુ, બેટ દ્વારકા પોલીસ જાણે સરકારથી પણ ઉપર હોય તેમ પોતાની મનસ્વી અને પક્ષપાતી નીતિ ચલાવી રહી છે.
જો કોઈ સ્થાનિક વગદાર વ્યક્તિ હોય, કોઈ રાજકીય ઓળખાણ ધરાવતો હોય, અથવા પોલીસમાં જ સગા-સંબંધી હોય તો તેની ગાડીઓને બેધડક અંદર જવા દેવામાં આવે છે, જ્યારે સામાન્ય જનતા માટે કાયદાના પાઠ ભણાવવામાં આવે છે. હદ તો ત્યાં થાય છે કે લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારોને પણ અંદર વાહન લઈ જવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા અને લેખિત મંજૂરી લેવા મજબૂર કરાય છે.
ફરજ પર તૈનાત પોલીસ કર્મચારીઓ પોતાના ઉચ્ચ અધિકારીઓના નંબર આપવાની પણ ના પાડી દે છે અને પોલીસ સ્ટેશનમાં ફોન કરવામાં આવે તો ઉદ્ધત જવાબો આપીને ફોન કાપી નાખવામાં આવે છે. એક પત્રકાર સાથે જો પોલીસ આવું વર્તન કરતી હોય, તો સામાન્ય પ્રવાસીઓની હાલત કેવી થતી હશે તે કલ્પના કરવી જ ધ્રુજાવી મૂકે તેવી છે. આ ખાનગી વ્યવસ્થા પાછળ પોલીસ તંત્ર અને રિક્ષા ચાલકો વચ્ચેની મોટી મિલીભગત અને ’હપ્તા સિસ્ટમ’ ચાલતી હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે.
બીજી તરફ, કરોડો રૂપિયાના ખર્ચે બનેલા ફોરલેન રોડ પર આવેલા હનુમાન દાંડી મંદિર જવા માટે પણ યાત્રિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સરકાર કે જિલ્લા કલેક્ટર દ્વારા હનુમાન દાંડી તરફ વાહનો લઈ જવા અંગે કોઈ જ પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી, છતાં બેટ દ્વારકાની પોલીસ કયા હકથી શ્રદ્ધાળુઓના વાહનો રોકી રહી છે તે એક મોટો સવાલ છે. કરોડોના ખર્ચે બનેલો આ રસ્તો શું માત્ર વીઆઇપી લોકો કે રિક્ષા ચાલકોની કમાણી કરાવવા માટે જ બનાવાયો છે ?
સામાન્ય યાત્રિકો પોતાના અંગત વાહનો હોવા છતાં તેને સાઇડમાં મૂકીને મોંઘી રિક્ષાઓ કરવા મજબૂર બન્યા છે. કલેક્ટરના કોઈ આદેશ વગર જ હિન્દુ ધર્મના આસ્થા સમાન હનુમાન દાંડી જતાં શ્રદ્ધાળુઓને રોકીને પરેશાન કરવામાં આવી રહ્યા છે, જેને પગલે રોષે ભરાયેલા પ્રવાસીઓ હવે એવા આકરા સવાલો ઉઠાવી રહ્યા છે કે શું આ પોલીસ કર્મચારીઓને હિન્દુ ધર્મ કે ભક્તો પ્રત્યે કોઈ અંગત વેર છે ? કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમના શિરે છે, તે જ ખાખીધારીઓ અત્યારે કાયદાના લીરેલીરા ઉડાવીને જનતાની આસ્થા અને અધિકારોનું નિકંદન કાઢી રહ્યા છે.