મુંબઈ ખાતે તા. ૦૧/૧૧/૨૦૨૬ થી ૦૪/૧૧/૨૦૨૬ દરમિયાન યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ઓલ એબિલિટી દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દ્વારકાની ભડકેશ્વર યોગ ગ્રુપની ખેલાડી નેહા ગઢવીએ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરી દ્વારકા સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે.
આ ટુર્નામેન્ટમાં મહિલા દિવ્યાંગ ક્રિકેટ સ્પર્ધા અંતર્ગત ગુજરાતની ટીમે સેમિફાઇનલમાં મહારાષ્ટ્ર સામે અને ફાઇનલ મુકાબલામાં રાજસ્થાન સામે શાનદાર રમત રમી વિજય મેળવ્યો હતો. ગુજરાતની મહિલા ટીમે બંને મહત્વપૂર્ણ મેચોમાં જીત નોંધાવી ટુર્નામેન્ટમાં ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી હતી.
આ સ્પર્ધામાં દ્વારકાની નેહા ગઢવીએ વિકેટકીપર તરીકે ઉત્કૃષ્ટ જવાબદારી નિભાવી હતી. તેમના શ્રેષ્ઠ પ્રદર્શન બદલ તેમને ’બેસ્ટ વિકેટકીપર’નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. આ સિદ્ધિ બદલ નેહાને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી.
નેહા ગઢવીની આ સફળતાથી દ્વારકાના રમતપ્રેમીઓમાં આનંદની લાગણી પ્રસરી છે. તેમની સિદ્ધિ દિવ્યાંગ ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે. નેહાની આ ઉપલબ્ધિથી દ્વારકા અને ગુજરાતનું ગૌરવ વધ્યું છે.