BREAKING NEWS

દ્વારકા જિલ્લામાં ૧૩ વર્ષની બાળકી પર થયેલ દુષ્કર્મ કેસમાં પોલીસની બેદરકારી સામે અનુ.જાતિ સમાજ આકરા પાણીએ

  • August 12, 2026 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા જિલ્લામાં ૧૩ વર્ષની બાળકી પર થયેલ દુષ્કર્મ કેસમાં પોલીસની બેદરકારી સામે અનુ.જાતિ સમાજ આકરા પાણીએ

રેલી યોજી વિરોધ દર્શાવી સીટની રચના કરવા ડીજીપીને આવેદનપત્ર 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટી ખોખરી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ૧૩ વર્ષની સગીર વયની અનુસૂચિત જાતિની બાળકી પર તે જ શાળાના શિક્ષક દ્વારા આચરવામાં આવેલા જઘન્ય યૌન શોષણ અને પોકસો હેઠળના ગુના સંદર્ભે સ્થાનિક પોલીસની શંકાસ્પદ કામગીરી સામે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ મામલે દ્વારકા જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા રેલી કાઢી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશકને આવેદનપત્ર પાઠવીને સમગ્ર કેસની તપાસ માટે રાજ્ય કક્ષાની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવાની પ્રબળ માંગ કરવામાં આવી છે.

આવેદનપત્રમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે તારીખ ૨૮ જુલાઈ ૨૦૨૬ના રોજ પીડિતાના પરિવારે ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે હાજર રહી સમગ્ર ઘટના અંગે રજૂઆત કરી હોવા છતાં કાયદા મુજબ તાત્કાલિક એફઆઇઆર નોંધવામાં આવી નહોતી. ઉલટાનું, સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ફરિયાદી પાસે ’જાતિનો દાખલો’ લાવવાની ગેરકાયદેસર માંગણી કરીને એફ.આઈ.આર. નોંધવામાં ગેરવાજબી વિલંબ કરવામાં આવ્યો હતો, જે સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. ત્યારબાદ તારીખ ૨૯ જુલાઈ ૨૦૨૬ના રોજ બીએનએસની કલમો, પોકસો એકટ તથા એસસી/એસટી એકટ હેઠળ ગુનો તો નોંધાયો, પરંતુ તે પછી પણ આરોપીના રિમાન્ડ મેળવવા કે ડિજિટલ અને સીસીટીવી જેવા મહત્વના પુરાવાઓ એકત્રિત કરવામાં ગંભીર ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે.

સમાજના આગેવાનોએ માંગ કરી છે કે આ કેસની તપાસ દેવભૂમિ દ્વારકા પોલીસ પાસેથી પાછી ખેંચીને અન્ય જિલ્લાના નિષ્પક્ષ આઇપીએસ અધિકારીઓની સીટને સોંપવામાં આવે અને તેનું સુપરવિઝન એડીજીપી (એસસી/એસટી) અથવા રાજકોટ રેન્જ આઇજી દ્વારા કરવામાં આવે. આ ઉપરાંત, ખંભાળિયા પોલીસ સ્ટેશનના ઘટના દિવસના તમામ સીસીટીવી ફૂટેજ અને કોલ લોગ જપ્ત કરી સુરક્ષિત કરવા તેમજ જાતિનો દાખલો માંગી ફરજમાં બેદરકારી દાખવનાર પોલીસ અધિકારીઓ સામે એસસી એસટી એકટની કલમ ૪ હેઠળ ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. જો ૧૫ દિવસની અંદર આ અંગે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની ચીમકી પણ આવેદનપત્રમાં આપવામાં આવી છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application