જામનગરને પાણી પુરૂ પાડતા સસોઇ ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં ૧૦ થી વધુ દિવસ થશે
રાહત: સૌની યોજના અંતર્ગત ઉંડ-૧ ડેમમાં અત્યાર સુધીમાં ૭૦ એમસીએફટી પાણી ઠલવાયું
પીપરટોડા પંપહાઉસથી વીંજલપર સુધીની લીંકમાં હજુ નર્મદાના નીર પહોંચ્યા નથી
જામનગરને પાણી પુરૂ પાડતા સસોઇ ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં હજુ દસેક દીવસનો સમય લાગશે. કારણ કે, પીપરટોડા પંપહાઉસથી વીંજલપર સુધીની લીંકમાં હજુ નર્મદાના નીર પહોંચ્યા નથી. સૌની યોજના અંતર્ગત ઉંડ-૧ ડેમમાં અત્યાર સુધીમાં ૭૦ એમસીએફટી પાણી ઠલવાયું હોવાનું સિંચાઇ વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે.
જામનગરમાં ચાલુ વર્ષે વિધિવત ચોમાસાના આગમન બાદ પણ મેઘરાજા હજુ મેઘરાજા મનમૂકીને ન વરસતા અને શહેરને પાણી પું પાડતા રણજીતસાગર ડેમમાં સપ્ટેમ્બર મહીના સુધી તો અન્ય જળાશયોમાં ૩૧ જુલાઇ સુધી ચાલે તેટલી જળરાશી ઉપલબ્ધ છે. આથી શહેરમાં જળસંકટના એંધાણ વર્તાઇ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં સૌની યોજનામાં ચાર લીંક પાઇપલાઇન મારફત ૧૧૫ જળાશયોમાં નર્મદાના નીર ઠાલવવામાં આવે છે. સૌની યોજનાની લીંક-૧ ના પેકેજ-૩ હેઠળ રાજકોટના પડધરી તાલુકાના ખજૂરડી ગામે આવેલા આજી-૩ ડેમથી જામનગર જિલ્લાના નંદપુર ગામે આવેલા ઉંડ-૧ ડેમ સુધી પાણી પહોંચે છે. જયારે લીંક-૧ના પેકેજ-૪ હેઠળ ઉંડ-૧ માંથી પીપરટોડા ગામે પંપહાઉસ સુધી, લીંક-૧ પેકેજ-૫ હેઠળ પીપરટોડા પંપહાઉસથી વીંજલપર ગામે સાની નદી સુધી નર્મદાના નીર પહોંચે છે. મોરબીના મચ્છુ ડેમમાં પાણીનુ લેવલ અપ આજી-૩ અને ત્યારબાદ ઉંંડ-૧ ડેમમાં સૌની યોજનાની લીંક મારફત પાણી ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ઉંડ-૧ ડેમમાં ૭૦ એમસીએફટી નર્મદાનું નીર ઠલવાઇ ચૂકયું છે. જયારે સસોઇ ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં હજુ દસેક દીવસનો સમય લાગશે તેમ સિંચાઇ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. શહેરની પાણી પું પાડતા આજી-૩ ડેમમાં ૨૦૦ એમસીએફટી, ઉંડ-૧ ડેમમાં ૨૦૦ એમસીએફટી અને સસોઇ ડેમમાં ૧૫૦ એમસીએફટી નર્મદાના નીર ઠાલવવાનું આયોજન કરાયું છે.