પવિત્ર યાત્રાધામ દ્વારકામાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહાપર્વને લઈને વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જન્માષ્ટમી નિમિત્તે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકામાં ઉમટવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ભીડ નિયંત્રણ, સુગમ દર્શન અને સુરક્ષા વ્યવસ્થા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
દ્વારકામાં આગામી જન્માષ્ટમી મહોત્સવને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. પ્રાંત અધિકારી યશપાલ ગઢવીના માર્ગદર્શન હેઠળ ભક્તો માટે સુવિધા અને સુરક્ષા સુનિશ્ચિત કરાઈ છે. ગોમતી ઘાટ પર એનડીઆરએફની ટીમ તૈનાત કરવા સાથે આરોગ્ય, પાણી અને ટ્રાફિકનું આયોજન કરાયું છે. પરિસરમાં ભીડ નિયંત્રણ માટે એલઇડી સ્ક્રીન દ્વારા દર્શનની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જગતમંદિર ખાતે કીર્તિસ્તંભથી લઈને છપ્પન સીડી સુધી વિવિધ સ્થળોએ ચુસ્ત બેરિકેડિંગ ગોઠવવામાં આવ્યું છે.
દર્શન માટે આવતા ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટે પ્રવેશ અને બહાર નીકળવાની અલગ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે. ભક્તોને સ્વર્ગદ્વાર તરફથી ભગવાન દ્વારકાધીશના મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે, જ્યારે દર્શન પૂર્ણ કર્યા બાદ મોક્ષદ્વાર તરફથી બહાર નીકળવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત કીર્તિસ્તંભ વિસ્તારમાં દર્શનાર્થીઓના જૂતાં-ચપ્પલ માટે જુતા-ઘરની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભીડના સતત પ્રવાહને નિયંત્રિત કરી દર્શન વ્યવસ્થાને સરળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે જરૂરી તમામ આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે.
જન્માષ્ટમી પર્વને અનુલક્ષીને દ્વારકા અને બેટ દ્વારકા બંને સ્થળોએ પોલીસ દ્વારા લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કુલ અંદાજે ૨૦૦૦ જેટલા પોલીસ જવાનો સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની જવાબદારી સંભાળશે.
જગતમંદિરની સુરક્ષા વ્યવસ્થામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ખડે પગે રહેશે. બંદોબસ્તમાં ૩ એએસપી, ૨ ડીવાયએસપી, ૩૪ પોલીસ ઇન્સ્પેક્ટર અને ૭૬ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે.
ભીડભાડવાળા વિસ્તારોમાં શંકાસ્પદ ગતિવિધિઓ પર સતત નજર રાખવા માટે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવશે. ઉપરાંત બોમ્બ સ્ક્વોડ સહિતની ટેક્નિકલ ટીમો પણ સતર્ક રહેશે. સંવેદનશીલ સ્થળો પર ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી કોઈપણ અનિચ્છનીય બનાવને અટકાવવા માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. જન્માષ્ટમીના મહાપર્વ દરમિયાન દ્વારકામાં ઉમટનારા લાખો કૃષ્ણભક્તોને સુરક્ષિત વાતાવરણમાં સરળતાથી દર્શન થઈ શકે અને સમગ્ર પર્વની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વહીવટી તથા પોલીસ તંત્ર દ્વારા સંકલિત આયોજન કરવામાં આવ્યું છે.