BREAKING NEWS

જામનગર: વરસાદ ખેંચાતા ખેડૂતો માટે આશીર્વાદરૂપ 'સૌની યોજના' મારફત કાલાવડ, ધ્રોલ અને જોડીયા મોરબી પંથકમાં સિંચાઈ માટે પાણી છોડવા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

  • July 14, 2026 11:48 AM 

જામનગર: વરસાદ ખેંચાતા ખેડૂતો માટે આશીર્વાદરૂપ 'સૌની યોજના' મારફત કાલાવડ, ધ્રોલ અને જોડીયા મોરબી પંથકમાં સિંચાઈ માટે પાણી છોડવા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત

ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદ ખેંચાવાને કારણે કાલાવડ વિધાનસભા વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.  પાકને બચાવવા માટે તાકીદે સિંચાઈના પાણીની જરૂરિયાત ઊભી થઈ છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને કાલાવડ-૭૬ વિસ્તારના સક્રિય ધારાસભ્ય મેઘજીભાઈ એ. ચાવડા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ લેખિત રજૂઆત કરીને 'સૌની યોજના' (SAUNI Yojana) હેઠળ તાત્કાલિક પાણી છોડવા માટે ભારપૂર્વક ભલામણ કરવામાં આવી છે.જેમાં

​૧.  કાલાવડ તાલુકામાં વરસાદની અછતને કારણે ખેડૂતોનો ઊભો પાક નિષ્ફળ ન જાય તે માટે ધારાસભ્યએ રજૂઆત કરી છે કે 'સૌની યોજના લિંક-૩' હેઠળ કાલાવડ તાલુકાના જાલણસર પંપીંગ સ્ટેશનમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે, જો અહીં પાણી છોડવામાં આવશે તો સમગ્ર તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો લાભ મળશે અને તેમના મૂલ્યવાન પાકને નવું જીવતદાન મળશે.

૨.  ધ્રોલ તાલુકામાં પણ વરસાદ ખેંચાતા ખેડૂતો ભારે ચિંતાતુર બન્યા છે ત્યારે ધ્રોલ તાલુકાના મોડપર અને ખજુડી પાસે આવેલ આજી-૩ ડેમ મારફત  ઊંડ-૧ ડેમ ભરીને સિંચાઈનું પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોની ઉગ્ર માંગ છે.'સૌની યોજના લિંક-૧' મારફત આજી-૩ ડેમ દ્વારા ધ્રોલ તાલુકાના વિસ્તારોમાં પાણી છોડવાથી ખેડૂતોના બળી રહેલા પાકને બચાવી શકાશે.

૩.​ જોડીયા તાલુકામા  વરસાદની ભારે અછત વર્તાઈ રહી છે. અહીંના અંદાજે ૮૦% ખેડૂતોને રસનાળ/ટીંબડી નહેર મારફત પીઠડ જશાપર સહીતના ગામોમાં  પિયતનો લાભ મળે છે. હાલમાં મગફળી, કપાસ તેમજ અન્ય ખરીફ પાકોને પાણીની તાતી જરૂરિયાત છે, અને જો અઠવાડિયામાં પાણી નહીં મળે તો પાક સંપૂર્ણ નષ્ટ થઈ શકે તેમ છે. ત્યારે ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે બંગાવડી સિંચાઈ યોજનામાં 'સૌની યોજના' મારફત પાણી છોડીને ડેમ ભરવામાં આવે અને નહેર મારફત રસનાળ ટીંબડી પીઠડ જશાપર સહિતના ગામોના ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવે.

​ખેડૂતોની આશા:
ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ ખેડૂતોના હિતમાં સંવેદનશીલતા દાખવીને મુખ્યમંત્રીને સિંચાઈ વિભાગને યોગ્ય અને તાકીદની સૂચનાઓ આપવા માટે નમ્ર અપીલ કરી છે. આ રજૂઆતને પગલે કાલાવડ, ધ્રોલ અને જોડીયા પંથકના જગતના તાતમાં પાક બચી જવાની નવી આશાનો સંચાર થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application