જામનગર: રાજ્ય સરકારના નિયમોને નેવે મૂકી લાલપુર ગ્રામ પંચાયત દ્વારા ‘ખાનગી’ ગ્રામસભા
ગ્રામજનોમાં ભારે રોષ, ઉચ્ચ અધિકારીઓ યોગ્ય તપાસ કરે લોકમાંગ
તાજેતરમાં લાલપુર ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય સરકારના સ્પષ્ટ નિયમો અને માર્ગદર્શિકાઓનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થયું હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. નિયમ મુજબ ગ્રામસભાની આગોતરી જાણ ગામના તમામ નાગરિકોને લાઉડસ્પીકર તેમજ જાહેર માધ્યમો દ્વારા કરવાની હોય છે, પરંતુ લાલપુર ગ્રામ પંચાયત દ્વારા માત્ર જૂની ગ્રામ પંચાયત બિલ્ડીંગના નીચેના સાદા નોટિસ બોર્ડ પર એક સાધારણ સૂચના મૂકીને સંતોષ માની લેવામાં આવ્યો હતો. આ પ્રકારની બેદરકારીના કારણે મોટાભાગના ગ્રામજનો આ મહત્વપૂર્ણ ગ્રામસભાની માહિતીથી વંચિત રહ્યા હતા.
નિયત સમય મુજબ સવારે ૧૧:૦૦ વાગ્યે સભા શરૂ થઈ ત્યારે જાગૃત નાગરિકો અને ફરિયાદીઓ દ્વારા વિવિધ સ્થાનિક પ્રશ્નોને લઈને જોરદાર રજૂઆતો કરવામાં આવી હતી. ગ્રામજનોના આક્રોશ અને પ્રશ્નોના યોગ્ય જવાબો ન મળતા સભામાં ભારે હોબાળો મચ્યો હતો, જેને પગલે ગ્રામસભા સ્થગિત કરી મૂળતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, મોટાભાગના ફરિયાદીઓ અને ગ્રામજનો સભા સ્થળેથી રવાના થઈ ગયા બાદ, પંચાયતના સત્તાધીશો અને અમુક મળતિયા સભ્યોએ પાછળથી ’ખાનગી’ રીતે સભા યોજીને પોતાની મેળે જ મનસ્વી નિર્ણયો લઈ લીધા હતા. આ સમગ્ર મામલે જ્યારે સરપંચ જયેશ તેરૈયાનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે ‘ઓફિસે આવીને વાત કરો’ કહીને જવાબ આપવાનું ટાળ્યું હતું. પત્રકારોના કોલ પણ ન ઉપાડવામાં આવતા સત્તાધીશોની ભૂમિકા સામે અનેક શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે.
આ ખાનગીમાં યોજાયેલી ગ્રામસભામાં નિયમોના ધજાગરા ઉડ્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સમગ્ર ગામમાંથી અંદાજે માત્ર ૧૨થી ૧૩ ગ્રામજનો જ હાજર રહ્યા હતા, જ્યારે ચૂંટાયેલા ૧૮ સભ્યોમાંથી માત્ર ૪થી ૫ સભ્યો જ ઉપસ્થિત રહ્યા હતા. ખુદ સરપંચ આ સભામાં ગેરહાજર રહ્યા હતા અને માત્ર ઉપસરપંચ મનોજ વાછાણી તથા તલાટી-કમ-મંત્રી દિવ્યાબેન રાઠોડની હાજરીમાં કાર્યવાહી બતાવવામાં આવી હતી. રાજ્ય સરકારના નિયમ અનુસાર ગ્રામસભા પૂર્ણ થયા બાદ હાજર રહેલા તમામ ગ્રામજનોની સહીઓ લેવાની સત્તાવાર પ્રક્રિયા કરવી ફરજિયાત હોય છે, પરંતુ આ સભામાં હાજર લોકોની કોઈ પણ પ્રકારની સહી લેવામાં આવી ન હોવાનું બહાર આવ્યું છે.
પ્રથમ વખત યોજાયેલી સભા દરમિયાન ગામના જાગૃત નાગરિકો દ્વારા અનેક પાયાના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. ફરિયાદી ભાર્ગવભાઈ માકડીયાએ ગામમાં અતિશય દૂષિત પાણીની સમસ્યા અંગે રજૂઆત કરી હતી. અન્ય ફરિયાદી નિકુંજભાઈ કાનાભાઈ મોરીએ જણાવ્યું હતું કે ગેસ એજન્સીઓ દ્વારા ગામમાં વિવિધ સ્થળે ખાડા ખોદવામાં આવ્યા છે અને તેના પુરાણ માટેનું પેમેન્ટ પંચાયતને મળી ગયું હોવા છતાં ખાડા પૂરવામાં આવ્યા નથી, જેનાથી અકસ્માતનો ભય રહે છે. લક્ષ્મી પાર્ક સોસાયટીના રહીશ મિતુલભાઈ તથા નિલેશભાઈ વાછાણીએ રોડની અતિબિસ્માર હાલત, ખાડાઓમાં ભરાતા વરસાદી પાણી અને તેનાથી ફેલાતા રોગચાળા અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત, પ્રવીણભાઈ ચાવડાએ ભૂગર્ભ ગટર પાઈપલાઈનનું કામ ટેન્ડર બહાર પાડ્યા વગર જ ચોક્કસ લોકોને આપી દેવાયાનો ગંભીર આરોપ લગાવ્યો હતો તેમજ અંબેડકર નગરમાં રહેતા નરેશભાઈ ચાવડાએ પણ ગંદુ પાણી વિતરણ થવાની વિગતો રજૂ કરી હતી.
સ્થાનિક રહીશોના જ્વલંત પ્રશ્નોના નિવારણ લાવવાને બદલે શાસકો દ્વારા સભા સ્થગિત કરી પાછળથી ચોરીછૂપીથી સભા યોજી લેવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ભાજપ શાસિત પંચાયતના હોદ્દેદારો અને વહીવટદારો ગામના વિકાસકામો કરવા માંગે છે કે નહીં તેવા સવાલો ઉઠી રહ્યા છે. કથિત ખાનગી ગ્રામસભામાં કયા નિર્ણયો લેવાયા તે અંગે કોઈ ખુલાસો કરવા તૈયાર નથી. હાલ તો ગામના રહીશો અને ફરિયાદીઓ દ્વારા માગણી કરવામાં આવી રહી છે કે પ્રજાના પ્રાથમિક પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે અને નિયમોનું ઉલ્લંઘન કરીને યોજાયેલી આ ગેરકાયદેસર ગ્રામસભા અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.