દ્વારકામાં કાન્હા વિચાર મંચ દ્વારા જન્માષ્ટમી પર્વે રથયાત્રા, રાસોત્સવ, મટકી ફોડ સહિતના કાર્યક્રમો
કૃષ્ણ ભક્તોને કૃષ્ણ જન્મભૂમિ પર જન્માષ્ટમીનો લાભ લેવા આહ્વાન
સમગ્ર વિશ્વમાં તમામ કૃષ્ણભક્તો જન્માષ્ટમીની ઉજવણી રંગેચંગે કરતા હોય છે ત્યારે ભગવાન દ્વારકાધીશની રાજનગરી દ્વારકામાં જન્માષ્ટમીનું મહાત્મ્ય વિશેષ હોય છે દેશ અને દુનિયાના ખુણે ખુણેથી કૃષ્ણભક્તો આતુરતા પૂર્વક દ્વારકા તરફ મીટ માંડીને બેઠા હોય છે. ત્યારે સપ્તપુરીઓમાંની એક દ્વારકા પણ આ સમયને યાદગાર બનાવવા થનગની રહી છે.
જન્માષ્ટમીની ઉજવણીમાં દ્વારકાના ધર્મમય માહોલમાં દરવર્ષે યોજાતી ભગવાન રાજાધિરાજની રથયાત્રા વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. ત્યારે આ વર્ષે પણ કાન્હા વિચાર મંચ દ્વારા રાજાધિરાજની ભવ્યાતિભવ્ય રથયાત્રાની જોરશોર તૈયારીઓ આરંભાઈ છે.
કાન્હા વિચાર મંચ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર આયોજનના અધ્યક્ષ સ્થાને કોઈ વ્યક્તિવિશેષને બદલે સ્વયં રાજાધિરાજ ભગવાનને સ્થાપિત કરી કાન્હા જન્મોત્સવની શરુઆત થશે. ત્યાર બાદ સંતો-મહંતો દ્વારા ભગવાન રાજાધિરાજની રથયાત્રાનું અખિલ ભારતીય આહીર સમાજ વાડીથી પ્રસ્થાન કરાવશે. આ રથયાત્રા દ્વારકાના રાજમાર્ગો પર રંગેચંગે અને ઉમંગે પરિભ્રમણ કરશે. આ સમયે દ્વારકાનિવાસી સર્વે સમાજના પ્રતિષ્ઠિત અગ્રણીઓ આ રથયાત્રાનું અલગ અલગ નિશ્ચિત કરાયેલી જગ્યાએ સ્વાગત-અભિવાદન કરશે
રથયાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ સમગ્ર ગુજરાતભરમાંથી એકઠા થયેલા કૃષ્ણવંશી આહીર યુવાનો દ્વારા મટુકીફોડ આકર્ષણનું કેન્દ્ર બનશે. રથયાત્રામાં વિવિધ કીર્તન મંડળીઓ દ્વારા કીર્તનની રમઝટ અને દ્વારકાધીશના ગગનભેદી જયઘોષ સાથે જગતમંદિર ખાતે આ યાત્રા વિરામ પામશે.
ત્યારબાદ આહીર સમાજની વાડીમાં આહીર સમાજના લોકો દ્વારા વ્રજપરંપરાને ઉજાગર કરતો ભવ્ય રાસોત્સવ યોજાશે અને મધ્યરાત્રિએ પરમતત્વના મહાજન્મને વધાવવા મહાઆરતી પણ થશે. આ કાર્યક્રમોમાં સહભાગી થવા કાન્હા વિચાર મંચ વતી પાલભાઈ આંબલિયા દ્વારા ધર્મપ્રેમી જનતાને આહ્વાન કરાયુ છે.