જામનગરમાં પણ સીઝેરીયનથી થતી પ્રસુતિ સામે જનજાગૃતિ ઝુંબેશ
શહેરના પ્રથમ નાગરિક મોનીકાબેન વ્યાસ દ્વારા પ્રસ્થાન કરાવાઈ: પ્રિન્સિપાલ ભારતીબેન સનાડિયાના નેતૃત્વ હેઠળ કરાયુ આયોજન: જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પંકજકુમાર રહ્યા ઉપસ્થિત
જનનીની જોડ સખી નહીં મળે રે લોલ... માતૃત્વની આ ગરિમાને વધુ સુરક્ષિત, સ્વસ્થ અને સકારાત્મક અનુભવ બનાવવા તેમજ કુદરતી પ્રસૂતિ અંગે સમાજમાં વ્યાપક જનજાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુ સાથે સોસાયટી ઓફ મિડવાઇવ્ઝ ઇન્ડિયા (SOMI) દ્વારા સમગ્ર દેશમાં Nation-Wide Walk for Natural Birthing નું આયોજન કરવામાં આવ્યું હતું. SOMIના સ્થાપક અધ્યક્ષ ડો.પ્રકાશમ્મા, પ્રમુખ ડો.ઉષા ઉકાંડે તથા ઉપપ્રમુખ જસુબેન પાટીદારના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ રાષ્ટ્રવ્યાપી પહેલના ભાગરૂપે જામનગર ખાતે પણ વિશાળ જાગૃતિ રેલી યોજાઈ હતી.
જામનગર ખાતે આ રેલીનું આયોજન SOMI ગુજરાતના પ્રમુખ અને સરકારી નર્સિંગ કોલેજ, જામનગરના પ્રિન્સિપાલ ભારતીબેન સનાડિયાના નેતૃત્વ હેઠળ કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. રેલીનું ઉદ્ઘાટન જામનગર શહેરના મેયર મોનિકાબેન વ્યાસના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયરએ પ્રોત્સાહક ઉદ્બોધન કરતાં પોતાના પ્રસૂતિના અંગત અનુભવનું હૃદયસ્પર્શી વર્ણન કર્યું હતું. ખાસ કરીને યુવા પેઢીને કુદરતી પ્રસૂતિના મહત્ત્વ અંગે જાગૃત કરતાં તેમણે જણાવ્યું હતું કે, માતૃત્વની આ કુદરતી પ્રક્રિયા અંગે યોગ્ય સમજણ, આત્મવિશ્વાસ અને સકારાત્મક અભિગમ કેળવવો અત્યંત જરૂરી છે.
આ અવસરે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પંકજ કુમાર તથા ઈંઊઈ અધિકારી નીરજ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ડો. પંકજ કુમારે સમાજમાં વધતા જતા સિઝેરિયન પ્રસૂતિના પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી, કુદરતી પ્રસૂતિના ફાયદાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું અને આ જનજાગૃતિ અભિયાનને બિરદાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-૫ ના આંકડા મુજબ દેશમાં કુલ પ્રસૂતિઓમાંથી ૨૧.૫ ટકા અને ગુજરાતમાં ૨૧ ટકા પ્રસૂતિ સિઝેરિયન પદ્ધતિથી થાય છે, જ્યારે ખાનગી આરોગ્ય સંસ્થાઓમાં આ પ્રમાણ દેશમાં ૪૭.૪ ટકા અને ગુજરાતમાં ૩૦.૮ ટકા જેટલું ઊંચું નોંધાયું છે. આ આંકડા પ્રસૂતિ અંગે યોગ્ય પરામર્શ અને પુરાવા આધારિત તબીબી નિર્ણય લેવાની તાતી જરૂરિયાત દર્શાવે છે.
આ રેલીનો મુખ્ય ઉદ્દેશ સિઝેરિયન પ્રસૂતિનો વિરોધ કરવાનો નહીં, પરંતુ કોઈ પણ તબીબી કારણો વિના સિઝેરિયનને પ્રથમ પસંદગી બનાવવાની માનસિકતા બદલવાનો હતો. જ્યાં જરૂરી તબીબી પરિસ્થિતિ હોય ત્યાં સિઝેરિયન માતા અને બાળકના જીવનની રક્ષા માટે અનિવાર્ય છે, પરંતુ જ્યારે માતા અને બાળક બંને સંપૂર્ણપણે સ્વસ્થ અને સુરક્ષિત હોય ત્યારે કુદરતી પ્રસૂતિને જ પ્રાથમિકતા આપવી જોઈએ તેવો સંદેશ આ રેલી દ્વારા આપવામાં આવ્યો હતો.
રેલીમાં નર્સિંગ કોલેજના શિક્ષકો, સ્ટાફ, વિદ્યાર્થીઓ, શહેરના SOMI સભ્યો તેમજ જાહેર નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નર્સિંગ વિદ્યાર્થીઓએ કુદરતી પ્રસૂતિના મહત્ત્વને ઉજાગર કરતાં આકર્ષક સૂત્રો અને પોસ્ટરો સાથે જનજાગૃતિ ફેલાવી હતી. સમગ્ર રેલીનું સફળ સંકલન કોલેજના નર્સ મિડવાઇફરી પ્રેક્ટિશનર પ્રોગ્રામના મિડવાઇફરી એજ્યુકેટર કુ. નેહા જાની દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વરિષ્ઠ નર્સિંગ શિક્ષિકાઓ કુ. ઇલા રાયચુરા, મંજુલા માવાણી, મમતા ભગત તથા SOMI ના સભ્યોએ પ્રશંસનીય સહયોગ આપ્યો હતો.
કાર્યક્રમના અંતે વિશેષ સહયોગ બદલ ગુજરાતના ઉપપ્રમુખ કુ. વિંકલ ગોહેલનો આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. દરેક માતાને પ્રસૂતિ અંગે યોગ્ય માહિતી, સન્માનપૂર્ણ સંભાળ અને સુરક્ષિત પ્રસૂતિનો અધિકાર છે તેવા ઉમદા સંદેશ સાથે યોજાયેલી આ રેલી સુરક્ષિત માતૃત્વ અને સ્વસ્થ સમાજના નિર્માણ તરફ એક પ્રેરણાદાયી કદમ બની રહી હતી.