જામનગર : ધ્રોલના ખારવા પાસે હડકાયા શ્ર્વાનનો આતંક: ૮ લોકોને બચકાં ભર્યા
ગંભીર ઈજા થતા વધુ સારવાર અર્થે જામનગર ખસેડાયા: આરોગ્યની ટીમ દોડી ગઇ: ગ્રામજનોમાં ભયની લાગણી: શ્ર્વાનોના આતંકમાંથી છૂટકારો અપાવવા માંગ
સમગ્ર ગુજરાત અને ખાસ કરીને હાલાર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા અને હડકાયા શ્વાનનો આતંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે. અવારનવાર સામે આવતા આવા બનાવોમાં રસ્તા પર ચાલતા નિર્દોષ નાગરિકો, નાના બાળકો અને વૃદ્ધો આ શ્વાનનો શિકાર બની રહ્યા છે. ભૂતકાળમાં શ્વાનના જીવલેણ હુમલાને કારણે અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે અને કેટલાક કમનસીબ કિસ્સાઓમાં ભોગ બનનારાઓએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે, ત્યારે આ સિલસિલામાં વધુ એક ભયાવહ ઘટનાનો ઉમેરો થયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગઈકાલે ધ્રોલ તાલુકાના ખારવા ગામ પાસે એક હડકાયા શ્વાને ભારે આતંક મચાવ્યો હતો. આ શ્વાને અચાનક જ રસ્તા પરથી પસાર થતા અને આસપાસ રહેલા સ્થાનિક લોકો પર હુમલો કરી દીધો હતો. શ્વાન એટલો આક્રમક હતો કે તેણે એક પછી એક એમ કુલ આઠ જેટલા લોકોને બચકાં ભરીને લોહીલુહાણ કરી દીધા હતા. આ અણધાર્યા હુમલાથી ગામલોકોમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ ગંભીર બનાવની જાણ સ્થાનિક આરોગ્ય વિભાગ અને પ્રશાસનને થતાં જ તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનાસ્થળે ૧૦૮ ઇમરજન્સી સેવા અને સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સ તાબડતોબ દોડી ગઈ હતી. તમામ આઠ ઈજાગ્રસ્ત લોકોને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સત્વરે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબી સ્ટાફ દ્વારા ઈજાગ્રસ્તોને ઘા સાફ કરી, પ્રાથમિક અને જરૂરી સારવાર તાત્કાલિક પૂરી પાડવામાં આવી હતી.
જોકે, શ્વાનના બચકાં બહુ ઊંડા હોવાથી અને ઈજાઓ ગંભીર પ્રકારની હોવાના કારણે ધ્રોલ સરકારી હોસ્પિટલના તબીબો દ્વારા તમામ આઠ દર્દીઓને વધુ સઘન સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. હાલ આ તમામ દર્દીઓ જામનગર ખાતે સારવાર હેઠળ છે.
આ ઘટનામાં બાળકો, યુવાન તેમજ વૃધ્ધ તેમ કોઈને પણ હડકાયા શ્વાનએ મુક્યો નહિ,તમામને બચકા ભરી ગંભીર ઇજાઓ પહોંચાડી છે,આ હચમચાવી મુકનારી ઘટનાને પગલે ખારવા ગામ અને આસપાસના પંથકના લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને તંત્ર દ્વારા આવા હડકાયા શ્વાનના આતંકને ડામવા નક્કર પગલાં લેવાય તેવી માંગ ઉઠવા પામી છે.