ભાણવડ તાલુકામાં વન્યજીવ જાગૃતિ વધતાં લોકો સાપને મારવાને બદલે બચાવી રહ્યા છે. છેલ્લા ૧૬ વર્ષથી વિનામૂલ્યે સેવા આપતા જાણીતા જીવદયા પ્રેમી અશોકભાઈ ભટ્ટ અને તેમની ટીમે ઓગસ્ટ૨૦૨૬ના એક જ મહિનામાં રેકોર્ડબ્રેક ૧૧૨ વન્યજીવોનું સફળ રેસ્ક્યૂ કર્યું છે.
આ કામગીરીમાં સૌથી મોટું આકર્ષણ અત્યંત દુર્લભ ગણાતી ’ઇન્ડિયન રોક પાઇથોન’ પ્રજાતિના ૨૯ વિશાળકાય અજગરોનું રેસ્ક્યૂ રહ્યું છે. આ ઉપરાંત ૪૪ કોબ્રા, ૧ કાળોતરો, ૪ ખળચિતળ તેમજ ૧૯ ધામણ, ૪ રૂપસુંદરી સહિતના અન્ય સરિસૃપોને પણ ઉગારાયા છે. વળી રેસ્ક્યૂ દરમિયાન મળી આવેલા તમામ ઈજાગ્રસ્ત સાપ અને અજગરને તાત્કાલિક યોગ્ય સારવાર આપી પૂર્ણપણે સ્વસ્થ કર્યા બાદ જ મુક્ત કરવામાં આવ્યા છે.
એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને સ્થાનિક વન વિભાગના સંયુક્ત સહયોગથી તમામ ૧૧૨ જીવોને સુરક્ષિત રીતે તેમના મૂળ પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયા છે. માનવ-વન્યજીવ સંઘર્ષ અટકાવતી અશોકભાઈ અને એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટની રેસ્ક્યુ ટીમની આ સેવા સમગ્ર પંથક માટે આશીર્વાદરૂપ બની છે.