જામનગરની બાળકીનો ચાંદીપુરાનો રિપોર્ટ નેગેટીવ, હાલત હજુ ગંભીર
કનસુમરા પાટીયા પાસેની સોસાયટીમાં રહેતી બાળકીની સઘન સારવાર
જામનગરમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો સાથે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયેલી બાળકીનો ચાંદીપુરાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. જો કે, આ બાળકીની હાલત હજુ ગંભીર છે. બાળકીની જી.જી.હોસ્પિટલમાં સઘન સારવાર ચાલી રહી છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના બે પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે શંકાસ્પદ કેસનો આંકડો ડઝનથી પણ વધુ છે. આટલું જ નહીં ૯ જેટલા બાળકોના મૃત્યુ પણ નિપજયા છે. જેમાંથી બે બાળકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. આ સ્થિતિમાં કનસૂમરા પાટીયા પાસે આવેલી સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતી એક ૩ વર્ષની બાળકીને ભારે તાવ, આંચકી સહીતના ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જણાતા સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આથી ચાંદીપુરના શંકાસ્પદ કેસમાં ઉમેરો થયો હતો.
આ બાળકીના લોહી સહીતના નમૂના રિપોર્ટ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. જો કે, આ બાળકીનો ચાંદીપુરાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. પરંતુ આ બાળકીની હાલત હજુ ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.