BREAKING NEWS

જામનગર: ગ્રેઇન માર્કેટ નજીક કસ્ટમ હાઉસના ડિમોલિશન દરમિયાન છત ધરાશાયી  : ત્રણ શ્રમિક દબાયા

  • June 18, 2026 09:56 AM 

જામનગર: ગ્રેઇન માર્કેટ નજીક કસ્ટમ હાઉસના ડિમોલિશન દરમિયાન છત ધરાશાયી  : ત્રણ શ્રમિક દબાયા

ફાયર તેમજ એસ્ટેટ શાખાની ટીમે ત્રણેયનું  કર્યુ રેસ્ક્યુ : સારવાર માટે જીજી. હોસ્પિટલ ખસેડ્યા

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં આવેલા કસ્ટમ હાઉસ વાળા વર્ષો જૂના અને જર્જરિત મકાનને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આજે ડિમોલિશન કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક મકાનની છતનો એક ભાગ ધસી પડતાં ત્યાં કામ કરી રહેલા શ્રમિકો કાટમાળ નીચે દબાઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

બનાવની જાણ થતાં જ જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ તેમજ ૧૦૮ ઇમરજન્સી સેવાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનો દ્વારા ભારે જહેમત બાદ કાટમાળ હટાવી દબાયેલા શ્રમિકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતાં. ઘટનાસ્થળે હાજર લોકોએ પણ બચાવ કામગીરીમાં સહયોગ આપ્યો હતો.

ઇજાગ્રસ્ત શ્રમિકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે તાત્કાલિક જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. સદનસીબે સમયસર હાથ ધરાયેલી બચાવ કામગીરીના કારણે વધુ ગંભીર જાનહાનિ ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

જામનગર મહાનગરપાલિકા દ્વારા કસ્ટમ હાઉસ વાળું જૂનું બિલ્ડીંગ તોડવા માટે એક ખાનગી કંપનીને કોન્ટ્રાક અપાયો છે, અને તેના ૧૦ માણસો દ્વારા પાડતોડની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, દરમિયાન સવારે ૧૦.૩૦ વાગ્યાના અરસામાં ઉપરની છતનો હિસ્સા પૂરતા દુર્ઘટના સર્જાઇ હતી, અને સુનિલ દિનેશભાઇ પરમાર (ઉંમર વર્ષ ૨૬) પ્રકાશ જીવાભાઈ ડાભી (ઉ.વ.૩૬) અને મુન્નાભાઈ જીવાભાઈ ડાભી (ઉંમર વર્ષ ૩૮) નામના ત્રણ શ્રમિકો દબાયા હતા, અને ત્રણેયને  રેસ્ક્યુ કરી લઈ સારવારમાં ખસેડ્યા છે.

જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ તથા સિક્યુરિટી ઇન્ચાર્જ  અધિકારી અનવર ગજજણ ઉપરાંત ધમભા જાડેજા સહિતની ટિમો બનાવના સ્થળે અને ત્યારબાદ જી.જી. હોસ્પિટલ દોડી ગઈ હતી, અને ઇજાગ્રસ્તોની સારવારમાં મદદ કરાવી છે. અને મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સમગ્ર બનાવવામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ડિમોલેશન કાર્ય દરમિયાન દુર્ઘટના સર્જાયા બાદ એકાએક વરસાદ પણ શરૂ થઈ ગયો હતો, જેના કારણે આગળની ડીમોલેશનની કાર્યવાહી અટકાવી દેવામાં આવી છે, અને સમગ્ર વિસ્તારને પણ કોર્ડન કરી દેવામાં આવ્યો છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application