BREAKING NEWS

દ્વારકા જગતમંદિરમાં સેલિબ્રિટી માટે નિયમો અલગ...?

  • September 17, 2026 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા જગતમંદિરમાં સેલિબ્રિટી માટે નિયમો અલગ...?

ગાયિકા કિંજલ દવેએ જગતમંદિરમાં શૂટિંગ કરતાં તંત્રની બેવડી નીતિ સામે સવાલો

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ તાજેતરમાં પોતાના પરિવાર સાથે દ્વારકા સ્થિત જગતમંદિર તેમજ દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. તેમની સાથે તેમની માતા અને નાના ભાઈએ પણ દર્શનનો લાભ લીધો હતો અને નાગેશ્વર ખાતે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન-અર્ચન કર્યું હતું. જોકે, આ મુલાકાત દરમિયાન મંદિર પરિસરમાં ફોટો અને વીડિયો શૂટિંગ કરવામાં આવતા હવે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

જન્માષ્ટમીના તહેવાર દરમિયાન એક સામાન્ય ભક્ત ચોરીછૂપે દ્વારકાધીશ મંદિરમાં મોબાઈલ લઈ ગયો હતો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ દ્વારકા પોલીસે તાત્કાલિક તે ભક્ત સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. હજારોની સંખ્યામાં તહેનાત સુરક્ષાકર્મીઓ વચ્ચે સામાન્ય ભક્ત દ્વારા મોબાઈલ અંદર લઈ જવાના બનાવથી જગતમંદિરની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ સર્જાયો હતો.
​​​​​​​
આ ઘટના બાદ હવે જાણીતી ગાયિકા કિંજલ દવે દ્વારા મંદિર પરિસરમાં ફોટો અને વીડિયો શૂટ કરવામાં આવતાં લોકોમાં ચર્ચા શરૂ થઈ છે. અગાઉ પણ અનેક સેલિબ્રિટીઓ અને રાજકીય નેતાઓએ પ્રતિબંધિત હોવા છતાં મંદિરમાં ફોટો-વીડિયો શૂટ કરી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યાના દાખલા બન્યા છે. જેથી નિયમો માત્ર સામાન્ય ભક્તો માટે જ છે કે સેલિબ્રિટીઓ માટે પણ લાગુ પડે છે તેવા આક્ષેપો સાથે શું તંત્ર કિંજલ દવે સામે પણ કાયદેસરની કાર્યવાહી કરશે કે કેમ તે બાબત ચર્ચાનો વિષય બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application