BREAKING NEWS

શ્રાવણ માસના પ્રારંભે રાજકોટની ભાગોળેનો ન્યારી-૨ ડેમ છલકાયો

  • August 13, 2026 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ પરમ પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે રાજકોટ શહેરની ભાગોળે જામનગર રોડ ઉપર ન્યારા ગામ નજીક આવેલો ન્યારી-૨ ડેમ છલકાયો છે અને ડેમની સપાટી જાળવવા માટે એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષો સુધી રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરૂં પડનાર ન્યારી-૨ ડેમનું પાણી હવે ફ્ક્ત સિંચાઇ હેતુ માટે વપરાશમાં લેવાઇ રહ્યું છે.

રાજકોટ ફ્લડ સેલના સૂત્રોના જણાવ્યા મુજબ, કુલ ૨૦.૭૦ ફૂટની ઊંડાઇના ન્યારી-૨ ડેમમાં પોણો ફૂટ નવા નીરની આવક થતા ડેમ પૂર્ણ સપાટીએ ભરાયો હતો અને એક દરવાજો ૦.૦૫ મીટર સુધી ખોલવામાં આવ્યો હતો. આથી લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના જારી કરવામાં આવી છે. આ સાથે પડધરી તાલુકાના ગોવિંદપર, ખામટા, રામપર, તરઘડી, વણપરી ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા ચેતવણી સંદેશ આપવામાં આવ્યો છે.ડેમની પૂર્ણ જળસપાટી ૮૮.૫ મીટર છે. ડેમમાં હાલનું જળસ્તર ૮૮.૫ મીટર છે. ડેમમાં હાલ કુલ જળજથ્થો ૧૨.૨૫ ઘનમીટર છે. ડેમમાં નીરની આવક અને જાવક ૨૫૮ ક્યુસેક છે.

વિશેષમાં સૂત્રોએ ઉમેર્યું હતું કે, છેલ્લા ૨૪ કલાકમાં છ ડેમમાં વરસાદી પાણીની આવક થઈ છે જેમાં રાજકોટ જિલ્લામાં ન્યારી ૨ ડેમમાં પોણો ફૂટ, ગોંડલી ડેમમાં પોણો ફૂટ, માલગઢ ડેમમાં ૦.૩૩ ફૂટ, મોરબી જિલ્લામાં મચ્છુ-૧માં ૦.૨૩ ફૂટ, ડેમી-૧માં ૦.૧૦ ફૂટ, જામનગર જિલ્લામાં ઉંડ-૧માં ૦.૧૬ ફૂટ નવા નીરની આવક થઇ છે. જ્યારે રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના કુલ ૮૨માંથી એક પણ ડેમ સાઇટ ઉપર વરસાદ નોંધાયો નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application