સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ડ્રોન હુમલામાં સલાયાના ખલાસીનું મોત : વહાણની જળસમાધિ
સીઝ ફાયર દરમ્યાન પસાર થતા માલવાહક વહાણ ઉપર હુમલાથી અફડાતફડી : અન્ય ૪ થી ૫ ખલાસીઓને ગંભીર ઈજા : વહાણના બે ટુકડા થઇ પાણીમાં ગરક : કરોડોનું નુકશાન
સીઝ ફાયર અમલમાં હોવા છતાં થયેલ હુમલા બાબતે ભારત સરકાર પાસે ન્યાયની માંગ:
સલાયાના વહાણ ઉપર સીઝ ફાયર અમલમાં હોવા છતાં થયેલ હુમલા બાબતે ભારત સરકાર પાસે ન્યાયની માંગ આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારતીય વહાણોની સુરક્ષા માટે યોગ્ય પગલા ભરવા સરકાર સમક્ષ અરજ કરવામાં આવી છે, આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારતીય વહાણોની સુરક્ષા તેમજ ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે સરકારે આકરા પગલાં લેવા ઘટે એવી ચર્ચાઓ ઉઠવા પામી છે.
મૃતક ખલાસીના બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી:
હોર્મુઝમાં થયેલી ફાયરીંગ ઘટનામાં મૃત્યુ પામનાર સલાયાના અલતાફભાઇ તાલબભાઇ કેર નામના યુવાનને એક પુત્ર અને એક પુત્રી છે. આ બંનેએ નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલમાં જ મૃત્યુ પામનાર યુવાનના પુત્રએ દસમા ધોરણની પરીક્ષા સારા માર્કસથી પાસ કરી હતી, મૃત્યુના સમાચાર મળતા પરિવારમાં માતમ છવાયો છે.
દેવભુમી દ્વારકા જીલ્લાના સલાયાનું એમએસવી અલ ફૈઝે નુર સુલેમાની -૧ નામનું માલવાહક વહાણ ગુવારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સામુદ્રીમાંથી પસાર થઇ રહયુ હતું એ વેળાએ ઇરાન અને યુએસ નેવી વચ્ચે થયેલા સામ સામે ફાયરીંગ હુમલામાં આ વહાણ ઝપટમાં આવી જતા ભારે નુકશાની થઇ હતી અને જળ સમાધિ લીધી હતી, સલાયાના એક ખલાસીનું મૃત્યુ થયુ છે અને ૪ થી ૫ ને ડ્રોન હુમલામાં ગંભીર ઇજા પહોંચી છે, જયારે માલવાહક જહાજમાં સવાર ટંડેલ સહિતના ખલાસીઓને અન્ય વહાણે બચાવી લીધાનું જાણવા મળ્યું છે.
ગઈ તારીખ ૭ મે ના રોજ દુબઇથી યમન જનરલ કાર્ગો ભરીને નીકળેલ ભારતીય માલ વાહક વહાણ ઉપર યુએસ અને ઈરાન વચે સીઝ ફાયર લાગુ હોવા છતાં થયેલ ડ્રોન હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત નીપજ્યું હતું.તેમજ આ વહાણમાં સવાર અન્ય ૧૭ ખલાસીઓને પણ ઇજાઓ પહોંચી હતી.જેમાંથી ૪ થી ૫ જેટલા ખલાસીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
આ વહાણ ઉપર થયેલ હુમલામાં આ વહાણના બે ટુકડા થઈ ગયા હતા તેમજ તુરંત આ વહાણ દરિયાના પાણીમાં ડૂબવા લાગ્યું હતું. તે દરમ્યાન તમામ ખલાસીઓએ વહાણ ઉપર રહેલ એક પાણીની પ્લાસ્ટિકની ટાંકીના સહારે દરિયામાં જંપલાવ્યું હતુ. જેમાં ટાંકીની ઉપરના ભાગે મૃત્યુ પામનાર યુવાનની લાશ રાખી હતી અને ટાંકીના બહારથી સપોર્ટ લઈ ૧૭ લોકોએ અંદાજે ૧૦ કલાક જેટલા સમય સુધી દરિયામાં પોતાનો જીવ બચાવવા મોત સામે ઝઝૂમ્યા હતા.ત્યાં પાસે રહેલી ઈરાન કે યુએસ આર્મી દ્વારા કોઈ મદદ મળેલ નહતી.
સદનસીબે સવારે ૧૦ વાગ્યા આસપાસ ના સમયે ત્યાંથી પસાર થતા સલાયાના જ એક માલ વાહક વહાણએ આ તમામ ખલાસીઓ તેમજ એક મૃત્યુ પામનાર યુવાનને પોતાના વહાણમાં બચાવીને બેસાડ્યા હતા તેમજ વહાણને દુબઇ તરફ લઈ ગયા હતા.
આમ આ સીઝ ફાયર અમલમાં હોવા છતાં ભારતીય નાગરિકની જિંદગીનો ભોગ લેવાયો હતો તેમજ આ કરોડો રૂપિયાના વહાણને જળસમાધિ લેવાનો વારો આવ્યો હતો. સરકાર દ્વારા આ બાબતે કડક વલણ દાખવી અને કાર્યવાહી કરવી ઘટે તેવી વહાણવટીઓની માંગણી છે.
સલાયાના બીજા જહાજે ૧૭ ખલાસીનો જીવ બચાવ્યો
ડ્રોન હુમલાનો ભોગ બનેલા વહાણમાં ટંડેલ સહિત ૧૭ ખલાસી સવાર હતા, મોડી રાત્રે બનાવમાં માલવાહક વહાણ ડુબવા લાગ્યુ હતું, દરમ્યાનમાં અંદર રહેલા ખલાસીઓ જીવ બચાવવા માટે મથામણ કરી રહયા હતા આ વેળાએ સદનશીબે સલાયાના જ અન્ય એક પ્રેમસાગર જહાજે તમામ ૧૭ વ્યકિતઓને બચાવી લીધા હતા રેસ્કયુ કરાયેલા આ તમામને દુબઇ લઇ જવાયા હોવાનું જાણવા મળ્યુ છે.