રાજ્ય શિક્ષણમંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લામાં સમરસ વિદ્યા સેતુ અભિયાનના કાર્યક્રમો યોજાયા
નગર પંચાયત કન્યા વિદ્યાલય જામજોધપુર ખાતે તથા લાલપુર તાલુકા શાળામાં યોજાયેલા કાર્યક્રમોમાં બન્ને તાલુકાના કુલ ૪૪૦ વિદ્યાર્થીઓએ શાળામાં પુનઃ પ્રવેશ મેળવ્યો
દરેક બાળકને શિક્ષણનો અધિકાર મળે તે સુનિશ્ચિત કરવા સરકાર પ્રતિબદ્ધ: મંત્રી
રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લાના જામજોધપુર નગર પંચાયત કન્યા વિદ્યાલય અને લાલપુર તાલુકા શાળા ખાતે સમરસ વિદ્યા સેતુ અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા.
કાર્યક્રમને સંબોધતા રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના સતત પ્રયાસો અને શિક્ષણ વિભાગની કાર્યનિષ્ઠાના પરિણામે વધુમાં વધુ બાળકો શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાઈ રહ્યા છે. શિક્ષણ એ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે અને કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે.
જામનગર જિલ્લામાં સમરસ વિદ્યા સેતુ અભિયાનને નોંધપાત્ર સફળતા મળી છે. રાજ્ય સરકાર બાળકીના જન્મથી લઈને તેના શિક્ષણ અને સશક્તિકરણ સુધી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે. સુકન્યા સમૃદ્ધિ યોજના, નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના સહિતની અનેક યોજનાઓ દ્વારા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. વિવિધ વિભાગોના સંકલિત પ્રયાસોથી બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે.
ભારતના શિક્ષણ ઇતિહાસમાં સાવિત્રીબાઈ ફૂલે જેઓ દેશની પ્રથમ મહિલા શિક્ષિકા તરીકે જાણીતા છે. સમાજમાં મહિલાઓ અને વંચિત વર્ગોને શિક્ષણથી દૂર રાખવામાં આવતા સમયમાં તેમણે કન્યાઓ માટે પ્રથમ શાળાની સ્થાપના કરી હતી. અનેક વિરોધો અને મુશ્કેલીઓ વચ્ચે પણ તેમણે શિક્ષણનો દીપ પ્રગટાવ્યો અને સમાજમાં સમાનતા તથા મહિલા સશક્તિકરણનો માર્ગ મોકળો કર્યો હતો.
શિક્ષણ માત્ર શિક્ષણ વિભાગની જવાબદારી નથી, પરંતુ સમગ્ર સમાજની સંયુક્ત જવાબદારી છે. શિક્ષકો, વાલીઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સમાજના આગેવાનોના સહયોગ થકી દરેક બાળક સુધી શિક્ષણ પહોંચાડી શકાય છે. ગુજરાતના કોઈપણ બાળકને શિક્ષણના અધિકારથી વંચિત ન રહેવા દેવાનો સંકલ્પ સૌએ લેવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે, લાલપુર તાલુકામાં આશરે 300 જેટલા અને જામજોધપુર તાલુકામાં આશરે 140 જેટલા બાળકોનો પુનઃ પ્રવેશ કરાવવામાં સફળતા મળી છે. જે સમગ્ર શિક્ષણ તંત્ર માટે ગૌરવની બાબત છે. આ કામગીરી બદલ મંત્રીએ શિક્ષકો, શિક્ષણ વિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને સમાજના સહયોગીઓને અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શિક્ષણના મુખ્ય પ્રવાહમાં પુનઃ જોડાયેલા બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ પુનઃ પ્રવેશ અભિયાનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે સહયોગ આપનાર દાતાશ્રીઓને પણ મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમોમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન જીવાણી, ધારાસભ્યશ્રી હેમતભાઈ ખવા, પૂર્વ કેબીનેટ મંત્રી ચીમનભાઈ સાપરિયા, જામજોધપુર અને લાલપુર એપીએમસી ચેરમેન શિવરાજસિંહ જાડેજા અને કાનાભાઈ આંબલીયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પરેશભાઈ હીરપરા, અગ્રણીઓ બ્રીજરાજસિંહ જાડેજા, ચિરાગભાઈ કાલરીયા, પ્રદ્યુમનસિંહ, રમેશભાઈ ગાગિયા, જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ અને સદસ્ય, પ્રાંત અધિકારી સંજયસિંહ અસવાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારી વિપુલ મહેતા, સરપંચ, આગેવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.