જામનગરમાં શાકબકાલાના ભાવમાં ભારે ભડકો: લીંબુની કિંમત આસમાને
કિલોનાં ૨૫૦ થી ૩૦૦: ગૃહીણીઓનું બજેટ ખોરવાયું: રીંગણા, ગલકા, દુધીને બાદ કરતા મહતમ શાક ૫૦ને પાર
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ લીંબુ, લસણ, ડુંગળી, સરગવા, પાલક, સહિતની શાકભાજી ખુબ જ ઉતમ છે. ત્યારે જામનગર શહેરમાં લીંબુના ભાવ કિલોના ૨૫૦ થી ૩૦૦ સુધી પહોંચતા ગૃહીણીઓનું બજેટ ખોરવાઇ જવા પામ્યું છે. ખાસ કરીને નમકીન તેમજ દાળમાં લીંબુનુ ખુબ જ મહત્વ છે. ત્યારે લીંબુના ભાવ ૨૫૦ને પાર કરતાં નગરજનોની થાળીમાં લીંબુ ગાયબ ગયું છે.
જામનગરમાં છૂટક ભાવમાં કારેલા ૬૦થી ૭૦ ગુવાર ૯૦ થી ૧૦૦, રીંગણા ૪૦ થી ૫૦, વાલ ૮૦થી ૯૦ વાલોર ૬૦ થી ૭૦, ગલકા ૪૦ થી ૫૦, દુધી ૨૦ થી ૩૦, ઘીસોળા ૫૦ થી ૬૦, ટમેટા ૫૦ થી ૬૦, સુકી ડુંગળી ૪૦ થી ૫૦, લીલી ચોરી ૭૦ થી ૮૦, કોબી ૨૦ થી ૩૦, ફલાવર ૫૦ થી ૬૦, બેટકા ૧૫થી ૨૦ કિલોના ભાવે મળી રહ્યા છે. જયારે મુળાનું પુળ્યુ ૨૦ રૂપિયા, ફુદીનો ૨૦, કોથમરી ૨૫, પાલક ૧૫ રૂપિયામાં મળી રહ્યા છે.
જામનગર શહેરમાં સ્ટ્રીટ ફુડ ધારકોએ લીંબુ અને ડુંગળીનો ઉપયોગ ૫૦ ટકા ઘટાડયો છે. વરસાદના કારણે ડુંગળીનો પાક બગડી ગયો હોવાથી તેના ભાવ વઘ્યા છે બીજી તરફ જામનગરમાં લીંબુની આવક ઓછી થવાથી ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ૧૫દિવસ પહેલા લીંબુના ભાવ કિલોના ૬૦થી ૭૦ હતા જે ૨૫૦ થી ૩૦૦ કિલોના ભાવે અત્યારે મળી રહ્યા છે.
એક તરફ સીંગતેલના ભાવ પણ વઘ્યા છે, સાથોસાથ મહતમ શાકભાજીના ભાવ કિલોના ૫૦ને પાર કરી ગયા છે ત્યારે અધુરામાં પુરું લીંબુ, ડુંગળીના ભાવ વધતા ગૃહીણીઓમાં દેકારો બોલી જવા પામ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ખાદ્ય ચીજ વસ્તુઓ અને શાકભાજીનાં સતત ભાવ વધારાથી ગૃહીણઓના બજેટ પર સીધી અસર જોવા મળી રહી છે બીજી તરફ હોટલોની થાળીમાં લીંબુ ગાયબ થઇ ગયા છે. જયારે પાઉંભાજી અને દાળવડાની લારી પર ગ્રાહકોને પુછી પુછીને લીંબુ અને ડુંગળી આપવામાં આવતી હોવાનું સામે આવી રહ્યું છે.