જામનગરમાં જાહેરમાં કચરો ફેંકતા નહીં, મનપા આસામીઓના ફોટા પાડી દંડ વસૂલશે
કચરો ફેંકતા લોકોની તસ્વીરો પ્રસિઘ્ધ કરાશે, શહેરમાં સ્વચ્છતા જાળવવા મનપા આકરા પાણીએ
રહેણાંક અને કોર્મશીયલ એકમોનો કચરો મનપાના ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન વાહનમાં આપવાનો રહેશે
જામનગરમાં હવે જાહેરમાં કચરો ફેંકનાર આસામીઓના મનપા ફોટા પાડી દંડ વસૂલશે. આટલું જ નહીં કચરો ફેંકતા લોકોની તસ્વીરો પ્રસિઘ્ધ કરાશે. શહેરમાં સ્વચ્છતા જાળવવા મનપાએ લાલ આંખ કરી છે. રહેણાંક અને કોર્મશીયલ એકમોનો કચરો મનપાના ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન વાહનમાં આપવાનો રહેશે.
જામનગરમાં મનપા દ્વારા સ્વચ્છતા જાળવવા કમર કસવામાં આવી છે. શહેરમાં મનપા દ્વારા દરરોજ ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કામગીરી કરવામાં આવી રહી છે. લોકોએ પોતાના રહેણાંક રહેણાંક મકાનનો કચરો ડસ્ટબીનમાં એકત્ર કરી મનપાના ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન વાહનમાં આપવાનો રહે છે. પરંતુ ઘણા લોકો દ્વારા પોતાના રહેણાંક અને કોર્મશીયલ એકમોનો કચરો ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન વાહનમાં આપવાને બદલે જાહેરમાં, ખુલ્લા પ્લોટમાં, ઓપન પોઇન્ટમાં ફેંકવામાં આવે છે. આટલું જ નહીં પોતાના રહેણાંકનો એંઠવાડ કૂતરા અને પશુઓને ખવડાવામાં આવતો હોય છે. પરિણામે શહેરમાં જાહેર આરોગ્ય અને લોકોની સુખાકારી જોખમાઇ છે અને શહેરની સ્વચ્છતામાં મુશ્કેલી ઉભી થાય છે. આથી કોઇપણ જાહેર જગ્યાએ કચરાનો નિકાલ ન કરવા મનપા દ્વારા શહેરીજનોને તાકીદ કરવામાં આવી છે. અન્યથા જાહેરમાં કચરાનો નિકાલ કરી ગંદકી ફેલાવનાર લોકોના ફોટો પાડી તેની સામે દંડાનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહીને સોશ્યલ મીડીયા અને અખબારોમાં પ્રસિઘ્ધ કરવામાં આવશે.