ખંભાળિયાના પાંચવાડી વિસ્તારમાં અજગરનું સફળ રેસ્ક્યુ
ખંભાળિયાના પાંચવાડી વિસ્તારમાં અજગરનું સફળ રેસ્ક્યુ
September 08, 2026 12:14 PM
ખંભાળિયાના પાંચવાડી વિસ્તારમાં અજગરનું સફળ રેસ્ક્યુ
ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં આવેલા પાંચવાડી વિસ્તારમાં મોડી રાત્રિના સમયે રહેણાંક વિસ્તાર નજીક અજગર સાપ દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રાત્રિના સમયે અચાનક વિશાળકાય અજગર નજરે પડતાં સ્થાનિકોએ તાત્કાલિક એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરી સાપને રેસ્ક્યુ કરવા માટે મદદ માંગી હતી. આ માહિતી મળતાં અહીંના એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો વિશેષ દેસાણી અને કુંજન શુક્લ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. બંને સભ્યોએ સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ અજગર સાપને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વિના સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લીધો હતો. અજગરનું રેસ્ક્યુ થયા બાદ તેને સુરક્ષિત સ્થળે લઈ જઈ વન્યજીવ માટે અનુકૂળ એવા કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો. આ કામગીરીથી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા સમયથી ખંભાળિયા અને આસપાસના વિસ્તારોમાં સાપ સહિત વિવિધ વન્યજીવોના રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. સંસ્થા દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવે છે કે, રહેણાંક કે જાહેર વિસ્તારમાં કોઈ વન્યજીવ દેખાય તો તેને મારવા કે નુકસાન પહોંચાડવાને બદલે તાત્કાલિક રેસ્ક્યુ ટીમનો સંપર્ક કરી જીવ બચાવવામાં સહયોગ આપે.