જામનગર: કાલાવડના બાળકને શંકાસ્પદ ચાંદીપુરા
બે વર્ષના બાળકની હાલત ગંભીર, અન્ય બે બાળકની તબિયતમાં સુધારો
બંને જિલ્લામાં નોંધાયેલા શંકાસ્પદ કેસના રિપોર્ટ નેગેટીવ આવતા હાશકારો
કાલાવડના બાળકને ચાંદીપુરના શંકાસ્પદ લક્ષણો જણાતા સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો છે. જયાં તેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે. જો કે, આ બાળકનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. સારવાર લઇ રહેલા અન્ય બે બાળકની તબિયતમાં સુધારો થયો છે. બંને જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા તમામ કેસમાં રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.
જામનગર જિલ્લાના કાલાવડમાં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ જોવા મળ્યો હતો. કાલાવડમાં રહેતા બે વર્ષના બાળકને તાવ,આંચકી સાથે ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જણાતા જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે.
તબીબોએ તેના લોહી સહીતના નમૂના લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતાં.આ બાળકનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, હાલારમાં શરૂઆતમાં જામનગર શહેર-જિલ્લાના ૩ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૩ બાળક મળી ચાંદીપુરાના ૬ શંકાસ્પદ કેસ નોંધાયા હતાં. આ તમામ બાળકોને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ દરમ્યાન જામનગરની ૨ વર્ષની બાળકી, લાંબા ગામના ૨ વર્ષના બાળક, કલ્યાણપુરના ૯ મહીનાના બાળક અને દેવભૂમિ દ્વારકામાં રહેતી ૬ વર્ષની બાળકીનું મૃત્યુ નિપજયું હતું. જો કે, મૃત્યુ પામેલા તમામ ચાર અને જામનગર તથા વસઇ આમરાના સારવારમાં રહેલા બંને બાળક મળી તમામ ૬ શંકસ્પદ કેસમાં ચાંદીપુરાના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતાં. ત્યારબાદ ધ્રોલ તાલુકાના રોજીયા ગામના એક વર્ષના બાળકને ભારે તાવ, આંચકી જેવા ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જણાતા સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ગણતરીની કલાકોમાં આ બાળકે દમ તોડી દીધો હતો.
આ બાળકનો ચાંદીપુરાનોે રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. ત્યારપછી પોરબંદરના બે વર્ષના બાળકને ભારે તાવ, આંચકીના ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જણાતા સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં ખસેડાતા વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો હતો. સારવાર બાદ આ બાળકની તબિયત સુધારો થયો હતો. આ બાળકનો રિપોર્ટ પણ નેગેટીવ આવ્યો હતો. જી.જી.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા જામનગરનું એક બાળક સ્વસ્થ થતાં રજા આપવામાં આવી હતી. હાલમાં જામનગર અને પોરબંદરના બંને બાળકની તબિયત સુધારા પર છે. જયારે કાલાવડના બાળકની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.