BREAKING NEWS

જામનગર: કાલાવડના ખરેડી ગામમાં બિરાજતાં સ્વયંભૂ ખરડેશ્ર્વર મહાદેવ

  • September 11, 2026 12:11 PM 

જામનગર: કાલાવડના ખરેડી ગામમાં બિરાજતાં સ્વયંભૂ ખરડેશ્ર્વર મહાદેવ

ગામના યુવાનોએ જાન્યુઆરી ૨૦૨૬માં હરદ્વારથી પવિત્ર ગંગાજળ દોડતા-દોડતા લાવીને ખરડેશ્ર્વર મહાદેવને કર્યો હતો જલાભિષેક
​​​​​​​
જામનગરથી આશરે ૭૫ કીલોમીટર દુર આવેલ કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં સ્વયંભૂ ખરડેશ્વર મહાદેવ બિરાજે છે જે ગ્રામજનો માટે આસ્થાનું કેન્દ્ર છે પોતાના ધંધા રોજગાર અર્થે ખરેડી ગામ છોડીને અન્ય શહેર રાજ્ય અને વિદેશોમાં વસતા ગ્રામજનોનો પણ ખરેડી ગામ તથા ખરડેશ્વર મહાદેવ સાથે અતૂટ નાતો રહ્યો છે.કોઈપણ શુભકાર્યની શરૂઆત કરતી વેળાએ ખરડેશ્વર દાદાનું અચૂક સ્મરણ કરીને જ કાર્યનો પ્રારંભ કરતા હોય છે.ખાસ કરીને શિવરાત્રી કે શ્રાવણ માસમાં એકાદ વખત તો પરિવારજનો સાથે આવીને દાદાના દર્શન કરીને કૃપા પ્રાપ્ત કરતાં હોય છે.આ સ્વયંભૂ ખરડેશ્વર મહાદેવની સમીપ રાધા દામોદરજીની હવેલી આવેલી છે જાણે હરી અને હરનું મિલન.

લોકવાયકા મુજબ વર્ષો પહેલાં ધણમાં ચારો ચરવા જતી એક ગાય રોજ દોવાઈ જતી હતી, ગોવાળિયાએ ગાય પર નજર રાખતા રોજ એક પથ્થર પર ઉભી રહેતી અને તેનું દુધ આપમેળે દોવાઈ જતું હતું,આ વાત ગોવાળીયાએ ગ્રામજનોને કહેતા તે સ્થળે ખોદકામ કરતાં જમીનમાંથી મહાદેવની શિવલીંગ નીકળેલ જે ખરડેશ્વર મહાદેવ કહેવાયા.

ખરેડી ગામના લોકો માટે ખરેડેશ્વર મહાદેવ માત્ર એક મંદિર કે પૂજાનું સ્થળ નથી, પરંતુ પેઢીઓથી ચાલતી આવતી શ્રદ્ધા, સામાજિક એકતા અને ધાર્મિક ઓળખનું કેન્દ્ર છે. ખાસ કરીને ખરેડી સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ સાથે ખરેડેશ્વર મહાદેવનો અત્યંત ગાઢ અને ઐતિહાસિક સંબંધ છે.

કાલાવડ તાલુકામાં આવેલું ખરેડી ગામ સૌરાષ્ટ્રની સમૃદ્ધ ગ્રામ્ય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. ગામોના ઇતિહાસમાં ઘણી વખત કોઈ એક દેવસ્થાન ગામની ઓળખનું કેન્દ્ર બની જાય છે. ખરેડી ગામ માટે આવું જ મહત્વ શ્રી ખરેડેશ્વર મહાદેવનું છે.

ગુજરાતી ઐતિહાસિક ગ્રંથ યદુવંશ પ્રકાશ અને જામનગરનો ઇતિહાસ, જેનું પ્રકાશન ૧૯૩૪માં થયું હતું, તેમાં ખરેડી ગામ અને ખરેડેશ્વર મહાદેવ અંગે રસપ્રદ નોંધ મળે છે ખરેડી ગામમાં ખરેડેશ્વર મહાદેવનું જૂનું મંદિર અસ્તિત્વમાં હતું અને ત્યારબાદ તેનો જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યો હતો. આ મંદિરને સમાજના ઇષ્ટદેવ તરીકે સ્થાપવાની પરંપરાનો પણ ઉલ્લેખ મળે છે. ખરેડેશ્વર મહાદેવનું મંદિર આધુનિક સમયમાં ઉભું થયેલું માત્ર નવું દેવસ્થાન નથી, પરંતુ તેનું અસ્તિત્વ અગાઉથી હતું અને પછી સમયાંતરે તેનો જીર્ણોદ્ધાર થયો હતો.

સ્વયંભૂ ખરેડેશ્વર મહાદેવ  લોકશ્રદ્ધાનો આધાર ખરેડી ગામમાં પ્રચલિત ધાર્મિક માન્યતા અનુસાર શ્રી ખરેડેશ્વર મહાદેવને સ્વયંભૂ મહાદેવ તરીકે પૂજવામાં આવે છે.સ્વયંભૂ શબ્દનો ધાર્મિક અર્થ છેજેની સ્થાપના માનવ દ્વારા કરવામાં આવી નથી, પરંતુ જે દિવ્ય રીતે સ્વયં પ્રગટ થયા હોવાનું માનવામાં આવે છે.ભારતીય શૈવ પરંપરામાં સ્વયંભૂ શિવલિંગોનું વિશેષ મહત્વ છે. આ શિવલિંગોને ભગવાન શિવના સ્વયં પ્રગટ સ્વરૂપ તરીકે શ્રદ્ધાપૂર્વક પૂજવામાં આવે છે.

શ્રાવણમાં ભક્તો દ્વારા  જળાભિષેક- બિલ્વપત્ર અર્પણ દૂધાભિષેક-રુદ્રાભિષેક મહામૃત્યુંજય મંત્ર જાપ- ૐ નમ: શિવાયનો જાપ સોમવારનું વિશેષ પૂજન શ્રાવણના સોમવારે મહાદેવના મંદિરોમાં વિશેષ ભક્તિસભર વાતાવરણ સર્જાય છે.ગામડાઓમાં તો મહાદેવનું મંદિર સામૂહિક ભક્તિનું કેન્દ્ર બની જાય છે.

શ્રાવણ માસ દરમિયાન મંદિરની ભક્તિ અને ધાર્મિક પરંપરા વિશેષ રૂપ ધારણ કરે છે. વહેલી સવારથી જ ભક્તો જળાભિષેક, દુગ્ધાભિષેક, રુદ્રાભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરવા માટે ઉમટી પડે છે. મંદિરને વિવિધ પ્રકારના દિવ્ય શૃંગારથી સજાવવામાં આવે છે અને ભક્તો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લે છે.

શ્રાવણમાં પુજાની સાથે સાથે શ્રવણ કરવાનો ખુબ મહિમા છે, બીજુ કાંઈ ન થઇ શકે તો કંઇ નહીં તો  શિવપુરાણ કે શ્રીમદ ભાગવતજીનું સ્મરણ કરવું અથવા કોઇપણ શાસ્ત્ર જો શ્રાવણ માસમાં શ્રવણ કરવામાં આવે તો તેનું અનંતગણુ ફળ ભોળોનાથ આપે છે.

કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં બિરાજમાન સ્વયંભૂ શ્રી ખરેડેશ્વર મહાદેવ શ્રદ્ધા, ઇતિહાસ અને સામાજિક પરંપરાનું અનોખું સંગમ છે.

ખરેડેશ્વર મહાદેવ માત્ર ખરેડી ગામના મહાદેવ નથી તેઓ સદીઓથી સમાજની આસ્થા,એકતાની ભાવના અને સાંસ્કૃતિક વારસાના જીવંત પ્રતીક છે.લોકવાયકા મુજબ સ્વયંભૂ ખરેડેશ્વર મહાદેવનું જૂનું મંદિર હતું, તેનો જીર્ણોદ્ધાર થયો હતો અને સંવત ૧૬૫૦માં તેને ખરેડી સમવાય ઔદિચ્ય બ્રાહ્મણના ઇષ્ટદેવ તરીકે સ્વીકારવામાં આવ્યા હતા.

હરિદ્વારથી ખરેડી સુધી દોડીને ૧૫૦૦ કિમીની અનોખી સંકલ્પ યાત્રા: ઇન્ડીયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાઈ
ખરેડી ગામના બે યુવાનોએ આશરે ૧૦ વર્ષ પહેલાં એક ધાર્મિક સંકલ્પ કર્યો હતો કે તેઓ હરિદ્વારથી દોડીને પવિત્ર ગંગાજળ લઈને પોતાના વતન ખરેડી પહોંચશે અને ખરેડી ગામના સ્વયંભૂ ખરડેશ્વર મહાદેવને ગંગાજળથી અભિષેક કરશે. વર્ષો જૂનો આ સંકલ્પ જાન્યુઆરી ૨૦૨૬માં હર હર ગંગે હર હર મહાદેવના નાદ સાથે સાકાર થયો.યાત્રાનો પ્રારંભ ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ હરિદ્વારથી કરવામાં આવ્યો હતો.આ યાત્રામાં માત્ર ખરેડીના યુવાનો જ નહીં પરંતુ અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને જામનગર વિસ્તારના મળીને અંદાજે ૩૫ જેટલા યુવાનો જોડાયા હતા.આ યાત્રા માત્ર ધાર્મિક કાર્યક્રમ નહોતો, પરંતુ યુવાનોની સંકલ્પશક્તિ, શારીરિક સહનશક્તિ અને સામૂહિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પણ હતુ. આશરે દોઢ હજાર કિલોમીટરનું અંતર દોડીને ગંગાજળ વતન સુધી લાવીને સ્વયંભૂ ખરડેશ્વર મહાદેવને જલાભિષેક કરવો આ ગૌરવપૂર્ણ કાર્યની નોંધ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ લેવાયેલ તે સમગ્ર ગામ તથા તાલુકા-જિલ્લા માટે ગૌરવપ્રદ કહી શકાય



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application