જામ્યુકો પરિવારના રાસરંગ કાર્યક્રમ મામલે શાસકપક્ષને માઠું લાગ્યાની ચર્ચા..!
જામનગર મહાનગરપાલીકાના પરિવારના રાસરંગ કાર્યક્રમ મામલે શાસક પક્ષને માઠું લાગ્યાની ચર્ચા મનપાના પટાંગણમાં ટોકીંગ પોઇન્ટ બન્યો છે. મનપાના પરિવાર માટે નહીં ઓપન જામનગરના આયોજન મુદે આ મડાગાંઠ સર્જાઇ હોવાનો ચણભણાટ પણ થઇ રહ્યો છે. આટલું જ નહીં કાર્યક્રમમાં મનપાના ઉચ્ચ અધિકારીઓની સૂચક ગેરહાજરી અંગે પણ અનેક તર્ક-વિર્તક ચાલી રહ્યા છે.
જામનગર મહાનગરપાલીકાન દ્વારા જેએમસી પરિવારના મહીલાઓ માટે ભવ્ય રાસરંગ કાર્યક્રમનું આયોજન તા.૨૩ ને શુક્રવારના પ્રદર્શન મેદાનની સામે આવેલા ગ્રાઉન્ડમાં રાત્રીના કરવામાં આવ્યું હતું. જેમાં તાળી રાસ, ફ્રી સ્ટાઇલ, પંચીયા રાસ, વેલડ્રેસ કોમ્પલીમેન્ટ્રી સ્પર્ધા રાખવામાં આવી હતી. આ રાસોત્સવના ઇ-નિમત્રંણ કાર્ડમાં આ રાસોત્સવ કાર્યક્રમ મહીલાઓ માટે યોજવામાં આવ્યો હોય જામપાના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, કોર્પોરેટર પરિવારના મહીલા સભ્યો પણ ભાગ લઇ શકશે તેમ જણાવાયું હતું. આટલું જ નહીં આ કાર્યક્રમના આયોજનનું બીડું મનપાના મહીલા અધિકારીઓએ ઝડપ્યું હતું. આ કાર્યક્રમમાં મનપામાં ફરજ બજાવતા કાયમી, કોન્ટ્રાકટ બેઇઝ અને આઉટ સોર્સીંગ એપ્રેન્ટીસ કર્મચારીઓને પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહેવા પણ જણાવાયું હતું.
આ ભવ્ય રાસ રંગ કાર્યક્રમમાં જેએમસી પરિવારના મહીલાઓ ભાગ લઇ શકશે અને તમામ મહીલાઓએ ટ્રેડીશનલ કપડાંમાં આવવાનું રહેશે તેમ પણ જણાવાયું હતું. જયારે પરિવારના ૧૨ વર્ષ સુધીના બાળક ભાગ લઇ શકશે તેમ પણ દર્શાવાયું હતું. આ કાર્યક્રમનું આયોજન ફકત જેએમસી પરિવાર માટે કરાયું હતું. પરંતુ આ મુદે શાસકપક્ષના અમુક આગેવાનોને માઠું લાગ્યાની ચર્ચા મનપાના પટાંગણમાં જોરશોરથી થઇ રહી છે. કારણ કે, આ કાર્યક્રમ ફકત જેએમસી પરિવારના મહીલાઓ માટે નહીં પરંતુ ઓપન જામનગર માટે રાખવા મુદે મડાગાંઠ સર્જાઇ હોવાનો ચણભણાટ જોરશોરથી ચાલી રહ્યો છે. આટલું જ નહીં આ મડાગાંઠના પગલે આ કાર્યક્રમનો ખચર્ર્ આપવામાં કે મંજૂર કરવામાં નહીં આવે તેવી ચર્ચા પણ મનપાના પટાંગણમાં જોરશોરથી ચાલી રહી છે. આટલું જ નહીં જેએમસી પરિવારના આ કાર્યક્રમમાં મનપાના ઉચ્ચ અધિકારીઓ અને અમુક આગેવાનોની ગેરહાજરી પણ ઉડીને આંખે વળગતા આ અંગે પણ અનેક તર્ક-વિર્તક ચાલી રહ્યા છે. ત્યારે જેએસમી પરિવારની મહીલાઓ માટે યોજાયેલો રાસરંગનો કાર્યક્રમ હાલમાં મનપામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.