વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો ૨૪મો હપ્તો ખેડૂતોને ચૂકવાશે
જામનગર શહેરના લેઉઆ પટેલ સમાજ, રણજીતનગર ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની પ્રેરક ઉપસ્થિતિમાં રણજીતનગર ખાતે યોજાનારા કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખેડૂતો સહભાગી થશે
‘પીએમ કિસાન સમ્માન નિધિ’ યોજના અંતર્ગત ૨૪મા હપ્તાની રકમ રીલીઝ કરવા માટે તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠા ખાતેથી રાષ્ટ્રીય કક્ષાના "પીએમ કિસાન ઉત્સવ દિવસ"નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના અનુસંધાને જામનગર જિલ્લામાં પૂર્વ તૈયારી રૂપે વ્યાપક કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત જામનગર જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ રણજીતનગર સ્થિત લેઉઆ પટેલ સમાજ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે, જેમાં જિલ્લાભરમાંથી બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનો સહભાગી બનશે.
જામનગર જિલ્લામાં ખેડૂતો સુધી આ મહોત્સવનો વ્યાપ વિસ્તારવા માટે જિલ્લા પંચાયત સીટ દીઠ ૨ કાર્યક્રમો મુજબ કુલ-૪૮ અને જિલ્લા કક્ષાનો ૧ કાર્યક્રમ મળીને એકંદરે ૪૯ સ્થળોએ વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.
જામનગર ખાતે તા.૩૦ ઓક્ટોબરના સવારે ૧૦.૦૦ કલાકે યોજાનાર જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ઉપરાંત સ્થાનિક પદાધિકારીઓ, મંત્રીઓ, સંસદસભ્યો, પંચાયત પ્રમુખો, અધિકારીઓ તથા કૃષિ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહી ખેડૂતોને કૃષિ અને બાગાયત ક્ષેત્રની વિવિધ કલ્યાણકારી યોજનાઓનું જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે.
આ પ્રસંગે વિવિધ યોજનાઓનો લાભ મેળવનાર સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતોનું મહાનુભાવોના હસ્તે સન્માન પણ કરવામાં આવશે.આ ઉપરાંત, જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલ એ.પી.એમ.સી., કે.વી.કે., એફ.પી.ઓ. અને ગ્રામ્ય કક્ષાના કાર્યક્રમ સ્થળો પર એલ.ઈ.ડી. સ્ક્રીન તથા ઓનલાઈન માધ્યમથી બનાસકાંઠા ખાતેથી વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાનાર મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય ડી.બી.ટી. મારફત સીધી જ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે ગુજરાતના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ.૧૦૫૧ કરોડથી વધુની રકમ મળશે, જેમાં જામનગર જિલ્લાના હજારો ખેડૂત પરિવારોને પણ આર્થિક સહાયનો સીધો લાભ પ્રાપ્ત થશે.