BREAKING NEWS

જામનગર: સરમત ગામમાં એએસઆઇને ધકકો મારી આરોપી ભાગી ગયો

  • July 21, 2026 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: સરમત ગામમાં એએસઆઇને ધકકો મારી આરોપી ભાગી ગયો

આરોપી તથા તેના માતા-પિતા સામે ફરજમાં રૂકાવટની ફરીયાદ : ધરપકડ માટે જતા અડચણ ઉભી કરી 

સરમત ગામમાં કોર્ટના હુકમનો ભંગ કરીને ગામમાં આવી અન્ય સાથે માથાકુટ કરી હોય આથી સિકકા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવા માટે તેના ઘરે ગઇ હતી ત્યારે ધરપકડ ટાળવા આરોપીના માતા-પિતાએ સિકકા પોલીસ સ્ટેશનના એએસઆઇને પકડી રાખી અને આરોપીએ ધકકો મારી ભાગી જઇ પોલીસની કાયદેસરની ફરજમાં રૂ​​​​​​​કાવટ ઉભી કરી હતી. આ મામલે ત્રણેય સામે ફરીયાદ દાખલ કરીને તપાસ આગળ ધપાવવામાં આવી છે. 

સિકકા પોલીસ સ્ટેશનના અર્નામ એએસઆઇ ચંદ્રકાંતભાઇ ગાંભવા દ્વારા ગઇકાલે સરમત ગામના ભિષ્મરાજસિંહ હઠીસિંહ જાડેજા તથા હઠીસિંહ જાડેજા અને હઠીસિંહના પત્ની આ ત્રણની વિરુઘ્ધ ભારતીય ન્યાય સંહીતાની કલમ ૨૨૪, ૨૬૨, ૨૬૩, ૫૪ મુજબ ફરીયાદ નોંધાવી હતી. 

વિગત મુજબ આ કામના આરોપી ભિષ્મરાજસિંહ વિરુઘ્ધ સિકકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય અને આરોપીએ અગાઉ થયેલ મારામારીનો કેસ જે સિકકા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ ૧૧૮(૨) વિગેરે મુજબના ગુનાના કામે કોર્ટમાંથી જામીન મુકત થયેલ હોય જેમાં આ આરોપીને જામનગર જીલ્લાની હદમાં પ્રવેશવાની મનાઇ કરવામાં આવી હતી.

તેમ છતા કોર્ટના હુકમનો ભંગ કરી આરોપી પોતાના ગામમાં આવી આ ગુનાના સાહેદ પૃથ્વીરાજસિંહ હનુભા જાડેજા સાથે ગાળાગાળી કરી ગુનો આચરેલ હોય અને જો ધરપકડ કરવામાં ન આવે તો ફરીયાદી-સાહેદો ઉપર હુમલો કરશે તેવી સંભાવના હોય જેથી આ ગુનામાં તેની કાયદેસરની ધરપકડ કરવા પોલીસ સ્ટાફ ગઇકાલે તેમના મકાને ગયા હતા. 
​​​​​​​
આરોપી ભિષ્મરાજસિંહે પોતાની ધરપકડ ન થાય તેમજ પોલીસ કાયદેસરની ફરજ ન બજાવે તે માટે તેમના પિતા હઠીસિંહ તથા માતાએ તમને નોકરી કરવા નહીં દઇ તેવી ધમકી આપી ભિષ્મરાજસિંહને ભગાડવા માટે ફરીયાદી પોલીસ એએસઆઇને પકડી રાખેલ અને ધકકા દેવા લાગેલ તેમજ ભિષ્મરાજસિંહ ફરીયાદી પોલીસ કર્મચારીને ધકકો મારીને ભાગી ગયો હતો. દરમ્યાનમાં આરોપીઓએ પોલીસની કાયદેસરની ફરજમાં રૂ​​​​​​​કાવટ ઉભી કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application